‘ખાસ-ખબર’નાં અહેવાલનો પડઘો
અંદરનો વૉક-વૅ અને જાહેર શૌચાલયમાં સફાઈથી ગાર્ડન બન્યું સ્વચ્છ
- Advertisement -
રાજકોટનું રેસકોર્સ શહેરના હૃદય સમાન ગણાય છે જ્યાં દરરોજ હજારો લોકો સવારે વોક કરવા અને સાંજે પરિવાર સાથે ફરવા માટે આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંની હાલત એટલી બગડી ગઈ હતી કે લોકોના મનમાં નિરાશા છવાઈ ગઈ હતી. ગાર્ડનના વિવિધ ખૂણાઓમાં કાપેલી વૃક્ષની ડાળીઓ, કચરાના ઢગલા અને ગંદકીથી ભરેલા જાહેર શૌચાલયોનો માહોલ સર્જાયો હતો. આ સ્થિતિ સામે તાજેતરમાં જ ખાસ ખબર ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રસિધ્ધ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રેસકોર્સના તમામ ગાર્ડનમાં રહેલા કચરાને દૂર કરાયો, કાપેલી ડાળીઓ એકત્રિત કરીને હટાવવામાં આવી, તેમજ જાહેર શૌચાલયમાં પણ સાફાઇ કરાઇ હતી. ત્યારે હવે રેસકોર્સમાં ફરીથી સ્વચ્છ અને તાજગીભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારે વોકીંગ કરવા આવતા લોકો અને સાંજે ફરવા આવતા નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માત્ર તાત્કાલિક સફાઈ પૂરતી નથી જો આ સ્થિતિ કાયમી રાખવી હોય તો તંત્રે નિયમિત સમયસર સફાઈ કામગીરી સુનિશ્ર્ચિત કરવી પડશે જેથી નાગરિકોની આરામદાયક અને ફરવાલાયક જગ્યા તરીકે રેસકોર્સનું સૌંદર્ય યથાવત રહે તેમજ સ્વચ્છતા માટે તંત્રની સતત દેખરેખ અને જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. આ ઉપરાંત હવે આવનારો સમય બતાવશે કે આ સ્વચ્છતા કાયમ રહેશે કે ફક્ત દેખાવ પૂરતી જ સફાઇ કરાઇ છે.



