10 વર્ષમાં 48 ગંભીર ગુના આચરનારી ટોળકી સામે LCBની કાર્યવાહી
ખૂન, લૂંટ, ખંડણી, અપહરણ સહિતના ગુના આચરતી ગેંગનો પર્દાફાશ
ટોળકીના પાંચ સભ્યો સામે ગુનો દાખલ, 1 ઝડપાયો, 4 ફરાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જુનાગઢ જિલ્લામાં સંગઠિત ગુનાખોરી આચરતા અસામાજિક તત્વો સામે રેન્જ આઇજી નિલેશ જાંજડીયાની સૂચનાથી જિલ્લા પોલીસ અધીક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. જુનાગઢ તાલુકાના સરગવાડા ગામના શખ્સ દ્વારા ચલાવાતી અને છેલ્લા દસ વર્ષમાં 48 જેટલા ગંભીર ગુનાઓ આચરનારી પાંચ સભ્યોની ટોળકી સામે આખરે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ટોળકી વિરુદ્ધ કાર્યવાહી થતા જિલ્લાના ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.
જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઇ કે.એમ.પટેલ દ્વારા આ સંગઠિત ગુનાખોરી આચરતી ગેંગની ગુનાઓની ’ક્રાઈમ કુંડળી’ તૈયાર કરવામાં આવી હતી. આ ટોળકીનો લીડર ભાવેશ ઉર્ફે ભાવિન ખોડા બઢ (રહે. સરગવાડા, તા. જુનાગઢ) છે, જે તેના સભ્યો સાથે મળીને લાંબા સમયથી જુનાગઢ શહેર, ગ્રામ્ય, વંથલી, મેંદરડા અને બિલખા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં ગુનાઓને અંજામ આપતો હતો.
આ ટોળકી દ્વારા આચરવામાં આવેલા ગંભીર ગુનાઓમાં ખૂન, ખૂનની કોશિષ, ખંડણી, લૂંટ, અપહરણ, હથિયાર ધારાનું ઉલ્લંઘન, અને ખાનગી મિલકતને નુકસાન પહોંચાડવા સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. આ કૃત્યોથી સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. એલસીબી પીઆઈ કે.એમ. પટેલની ફરિયાદના આધારે, જુનાગઢ તાલુકા પોલીસે નીચે મુજબના પાંચ શખ્સો સામે ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) એક્ટ હેઠળ ગંભીર ગુનો દાખલ કર્યો છે. આ પાંચેય શખ્સોએ છેલ્લા દસ વર્ષમાં સંગઠિત થઈને કુલ 48 ગંભીર ગુનાઓ આચર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ ગંભીર ગુનાની તપાસ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારને સોંપવામાં આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જુનાગઢના કરશન ગલા મોરીની ગુજસીટોક હેઠળ અટકાયત કરી છે. જ્યારે ગેંગના લીડર ભાવેશ સહિત અન્ય ચાર શખ્સોને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સઘન તજવીજ હાથ ધરી છે. જુનાગઢ જિલ્લામાં સંગઠિત ગુનાખોરી વિરુદ્ધના આ કડક પગલાથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
પાંચ શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો
1. ભાવેશ ઉર્ફે ભાવિન ખોડા બઢ
(ગેંગ લીડર, રહે. સરગવાડા) – 14 ગુના
2. કરશન ગલા મોરી
(રહે. જુનાગઢ, ગાંધીગ્રામ) – 8 ગુના
3. દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા – 7 ગુના
4. નિલેશ ઉર્ફે નિલુ ખોડા બઢ
(રહે. સરગવાડા) – 10 ગુના
5. જાદવ ઉર્ફે લાખા સાંગા હુણ
(રહે. કોયલી, તા. વંથલી) – 9 ગુના



