45મા વર્ષે ગરબીએ રાજ્યમાં મેળવ્યું અનેરું સ્થાન, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ દીપ પ્રાગટ્ય કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. 10 જાગૃત મંડળ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત જીવનનગર પ્રાચીન ગરબીમાં આ વર્ષે માનવ મેદની ઉમટી પડી હતી, જેના પગલે આયોજકોએ વિશેષ વ્યવસ્થા કરવી પડી હતી. અહીં વિજ્ઞાન, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના સમન્વય સાથે બાળાઓના અવનવા રાસ-ગરબા જોવા મળે છે.
- Advertisement -
જિલ્લા પંચાયત પ્રમુખે ગૌરવ વ્યક્ત કર્યું: રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીએ દીપ પ્રાગટ્ય કરીને લાણી વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જીવનનગર સમિતિના કાર્યોમાં હાજરી આપવી તેમના માટે ગૌરવની વાત છે. તેમણે પ્રાચીન ગરબીમાં બાળાઓના મંત્રમુગ્ધ કરનારા રાસ-ગરબાની પ્રશંસા કરીને સમિતિને અભિનંદન પાઠવ્યા હતા. શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલે પણ પ્રાચીન ગરબીને ભારતીય સંસ્કૃતિ ગણાવીને બાળાઓને લાણી વિતરણ કર્યું હતું.
મહેમાનોની ઉપસ્થિતિ: દીપ પ્રાગટ્ય અને લાણી વિતરણના કાર્યક્રમમાં પ્રવિણાબેન રંગાણી, પરેશભાઈ હુંબલ, કિશાન મોરચાના પિયુષભાઈ રાજપરા, ડો. તેજસ ચોકસી, ડો. દીપ્તિબેન ચોકસી, વર્ષાબેન ભટ્ટ, વિનોદરાય ભટ્ટ સહિતના અગ્રણીઓએ હાજરી આપી રાસ-ગરબા નિહાળ્યા હતા.
સમિતિના પ્રમુખનું ઉદ્બોધન: સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ મહેમાનોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, 45મા વર્ષે આ પ્રાચીન ગરબીએ રાજ્યમાં જે અનેરું સ્થાન મેળવ્યું છે, તેના માટે રહીશોની એકતા અને બાળાઓના વાલીઓનું સંગઠન જવાબદાર છે.
મહિલા મંડળના મુખ્ય વ્યવસ્થાપક નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલ, ભારતીબેન ગંગદેવ સહિતના સભ્યોએ બાળાઓના રાસ-ગરબાની હરીફાઈમાં વિજેતા બનેલી બાળાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરી હતી. સમિતિના અંકલેશ ગોહિલ, વિનુભાઈ ભટ્ટ, પાર્થ ગોહેલ સહિતના કાર્યકરોએ ગરબીનું સુશોભન કાર્ય સંભાળીને વ્યવસ્થામાં સક્રિય ભાગ લીધો હતો.



