સતાપર ગામના સ્મશાન પાસે ચાલતા જુગારધામ પર રેઇડ: ત્રણ આરોપી ફરાર, જુગારની બદી નાબૂદ કરવા ઝુંબેશ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલ સાહેબની સૂચનાના આધારે, ધ્રાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.ડી. પુરોહીત સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવાની ઝુંબેશને સફળતા મળી છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે સતાપર ગામના સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર રેઇડ કરીને સાત આરોપીઓને રોકડ રકમ અને વાહનો સહિત કુલ ₹2,50,450/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. શ્રી એમ.બી. વિરજાની સૂચનાથી અજઈં પી.પી. ખૂંટી, પો.હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઇ રબારી, વિભાભાઈ ઘેળ અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે સતાપર ગામના સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી જનકભાઈ ગેલડીયા (રહે. કંટાવા), ડીગાભાઇ ઝીઝુવાડીયા (રહે. સતાપર), મહેશભાઈ બારૈયા (રહે. ધ્રાંગધ્રા), કનૈયાભાઈ ઉર્ફે કાનો કાચરોલા (રહે. ધ્રાંગધ્રા), ઘનશ્યામભાઇ ઉર્ફે બકાલી માલકીયા (રહે. જેસડા), સિંધાભાઇ વાસાણી (રહે. જેસડા), અને નરશીભાઇ ઝીઝુવાડીયા (રહે. જેસડા) ને ઝડપી પાડ્યા હતા. જોકે, ત્રણ મોટરસાઇકલના ચાલકો ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પકડવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા ₹28,450/-, ગંજીપાના નંગ-52, ચાર મોબાઇલ ફોન (કિંમત ₹12,000/-) અને સાત મોટરસાઇકલ (કિંમત ₹2,10,000/-) સહિત કુલ ₹2,50,450/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સમગ્ર રેઇડમાં ઝડપાયેલા અને ફરાર થયેલા આરોપીઓ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ-12 મુજબનો ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



