22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ડી.એચ. કોલેજના મેદાનમાં નવરાત્રીની રંગીન ઉજવણી – ટોકન ફીમાં જ સિઝન પાસ ઉપલબ્ધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના લોકપ્રિય ગોપી રાસોત્સવનું આ વર્ષે પણ ધૂમધામથી આયોજન થવા જઈ રહ્યું છે. સરગમ લેડીઝ કલબ દ્વારા યાજ્ઞિક રોડ ઉપર આવેલી ધર્મેન્દ્ર કોલેજ (ડી.એચ.) ના મેદાનમાં 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી નવ દિવસીય આ રાસોત્સવ યોજાશે. મોંઘવારીની અસર વચ્ચે પણ બહેનો માટે માત્ર ટોકન ફીમાં જ સિઝન પાસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કલબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા અને ડો. માલાબેન કુંડલિયાએ માહિતી આપતા જણાવ્યું કે સરગમ પરિવારના સભ્ય માટે 11 દિવસનો પાસ 400 રૂપિયા અને સભ્ય ન હોય તેવા બહેનો માટે 500 રૂપિયા રાખવામાં આવ્યા છે. રાજકોટની કોઈપણ બહેનો, જેની ઉંમર 15 વર્ષથી ઉપર છે, તે આ રાસોત્સવમાં જોડાઈ શકે છે.
- Advertisement -
ફોર્મનું વિતરણ આમ્રપાલી લાઈબ્રેરી, મહિલા કોલેજ લાઈબ્રેરી, એવરેસ્ટ લાઈબ્રેરી, કેનાલ રોડ સેન્ટર, સરગમ ભવન અને સરગમ ક્લબ ઓફિસ સહિતના કેન્દ્રોમાં શરૂ થઈ ગયું છે. ફોર્મ સાથે જ ફી પણ ત્યાં જ જમા કરાવવાની રહેશે. આ રાસોત્સવમાં રોજ 20 પ્રિન્સેસ અને વેલડ્રેસ ઈનામો આપવામાં આવશે. ઈનામો માટે રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), બાન લેબ્સના મૌલેશભાઈ પટેલ, એન્જલ પંપના કિરીટભાઈ આદ્રોજા, ચોકોડેનના સંદિપભાઈ અને સુધીરભાઈ પંડ્યા, ગોપાલ નમકીન, ગોકુલ નમકીન તેમજ અન્ય દાતાઓનો સહયોગ મળ્યો છે. ઓપ્શન શો રૂમની શીલાબેન ચાંદ્રરાણી તથા ગીરીકિન્દ્રા ફૂડ્સ કકઙ કંપની તરફથી ખાસ કીટ આપવામાં આવશે. ડી.એચ. કોલેજના મેદાનમાં બહેનો માટે અનુકૂળ બેઠક વ્યવસ્થા તેમજ જડબેસલાક સુરક્ષા ગોઠવાશે. મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા આ પ્રસંગે ગરબાનો રંગ વધારશે. સાથે જ મુંબઈના હેમંત પંડ્યા, પ્રિયા જોષી, ભાવના સોની અને રાજકોટના નિલેશ પંડ્યા માતાજીના ગરબા રજૂ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર બહેનો માટે યોજાતો આ ગોપી રાસોત્સવ રાજકોટમાં અત્યંત લોકપ્રિય છે. દર વર્ષે મોટી સંખ્યામાં બહેનો ભાગ લે છે તેમજ દર્શકો પણ આ રાસોત્સવ નિહાળવા ઉમટી
પડે છે.
ગોપી રાસોત્સવની વિશેષતાઓ
તારીખ : 22 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર
સ્થળ : ડી.એચ. કોલેજ મેદાન, યાજ્ઞિક રોડ
સિઝન પાસ : સભ્ય માટે ₹400, ગેરસભ્ય માટે ₹500
દરરોજ 20 ઈનામો – પ્રિન્સેસ અને વેલડ્રેસ કેટેગરીમા



