આજથી દાંડી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પાવાગઢ સહિતના સ્થળો માટે એસટી વિભાગની નવી બસ સેવા શરૂ થઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોના કાબુમાં આવી રહ્યો છે. જેથી જાહેર સ્થળો અને અન્ય જગ્યાઓ પણ ફરી શરૂ થવા માંડી છે. રાજ્ય સરકારે જન્માષ્ટમી સહિતના તહેવારોની ઉજવણીમાં નિયમો સાથે મંજુરી આપી હતી અને હવે નવરાત્રીમાં શેરી ગરબાને પણ મંજુરી આપી છે. ત્યારે રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળો પર આજથી વાહન વ્યવહાર વિભાગની બસ સેવાની શરૂઆત થશે.આજે ગાંધી જયંતિના દિવસથી દાંડી, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાવાગઢ સહિતના મુખ્ય પ્રવાસન સ્થાન પર નિગમની નવી બસ સેવાની શરૂઆત થઈ રહી છે.
વડાપ્રધાન મોદીના વતન વડનગરથી તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની બસની શરૂઆત પણ થઈ રહી છે. સાથે સાથે આવનાર દિવસોમાં નવરાત્રીને ધ્યાનમાં રાખીને ભક્તોના ધસારાને પહોંચી વળવા માટે અમદાવાદથી પાવાગઢ સુધીની બસ શરૂ થઈ રહી છે. ઉપરાંત ગાંધીનગરથી દાંડી તથા અમદાવાદથી વિશ્વ વિખ્યાત ધોળાવીરા સુધીની બસ સેવાની પણ શરૂઆત થઈ રહી છે. હાલ 6438 ટ્રીપનું સંચાલન ચાલી રહ્યું છે. જેની સામે દૈનિક અંદાજે 5 કરોડ જેટલી આવક નિગમને થઈ રહી છે.
- Advertisement -
અગાઉનાના સમયમાં નિગમની મર્યાદિત અને 50 % પ્રવાસીઓ સાથેના સંચાલનમાં સરેરાશ દૈનિક 2.5 કરોડ આવક થતી. જેથી પાછલા દોઢ વર્ષથી ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસોને કોરોનાના કારણે મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. મર્યાદિત ટ્રીપ અને પ્રવાસીઓ સાથે નિગમની બસમાં સંચાલન થઇ રહ્યું. હતું પરંતુ હવે કોવિડની સ્થિતિનો સુધારો તથા પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે અને મોટા પ્રમાણમાં જઝ બસ સેવાનો લાભ લઇ રહ્યા છે.



