તાલાલાનાં ચિત્રોડ ગીર ગામ નજીક યુવાનની હત્યાના પ્રયાસનાં આરોપી દેવાયત ખવડનાં જામીન નામંજૂર
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાના ચિત્રોડ ગીર ગામ પાસે અમદાવાદ નાં સનાથલ ગામના યુવાન ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉ.વ.24 વાળા ઉપર લુંટ ચલાવી હત્યાનો પ્રયાસ કરવાના આરોપી લોકડાયરા કલાકાર દેવાયત ખવડ નાં જામીન વેરાવળ સેશન્સ કોર્ટે નામંજૂર કરતાં લોકડાયરા કલાકાર ને ફરી તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવા ફરજ પડી છે.
- Advertisement -
આ કેસની વિસ્તૃત વિગત એવી છેકે ગત તા.12 મી ઓગષ્ટ નાં રોજ સનાથલ ગામના યુવાન ધ્રુવરાજસિંહ ચૌહાણ ચિત્રોડ ગીર ગામ નજીકના ફાર્મ હાઉસમાં રોકાયા હતાં ત્યાંથી બહાર આવતાં હતાં ત્યારે લોકડાયરા કલાકાર દેવાયત ખવડ તથા અન્ય 15 શખ્શોએ તેમની ફોર વ્હીલ ગાડી ને આગળ અને પાછળ થી અથડાવી યુવાન પાસેથી રોકડ રકમ રૂ.42 હજાર અને સોનાની ચેઈન ની લુંટ ચલાવી યુવાનની હત્યાનો પ્રયાસ કર્યો હતો તેમજ આ બનાવની પોલીસ ફરીયાદ કરીશ તો રીવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની તાલાલા પોલીસ સ્ટેશનમાં લુંટ અને હત્યાના પ્રયાસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે દેવાયત ખવડ સહિત સાત શખ્સોની ધરપકડ કરી હતી.આરોપી પાસેથી હુમલામાં વપરાયેલ હથિયાર તથા રોકડ રકમ તથા સોનાનો ચેઈન કબજે કરવા તથા આ કૃત્યમાં અન્ય કોઈ શખ્શો સંડોવાયેલ છે કે કેમ..?તથા અન્ય આરોપી ક્યાં છે તેની તપાસ કરવા આરોપીને નીચલી કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા ત્યારે આરોપી ના વકીલે ભારતના બંધારણની આર્ટિકલ 22 નું પાલન કરવામાં આવેલ નથી તે આરોપીનાં મુળભુત અધિકારો નાં ભંગ થવા બરાબર હોય તેની વિસ્તૃત વિગત સાથેના કારણ રજુ કરી રીમાન્ડની માંગણી નામંજૂર કરી તમાંમ આરોપીને જામીન મુક્ત કરવા માંગણી કરેલ જે કોર્ટે માન્ય રાખી હતી.નીચલી કોર્ટના હુકમ સામે સરકાર પક્ષેથી વેરાવળ ડિસ્ટ્રીકટ કોર્ટમાં સરકારી વકીલ દ્વારા રિવીઝન ફાઈલ કરવામાં આવી હતી જેની સુનાવણી દરમ્યાન સરકારી વકીલ કેતનસિંહ વાળા એ વિવિધ ઉચ્ચ અદાલતોના માર્ગદર્શન અને સિદ્ધાંતો તથા જજમેન્ટ રજુ કરી આરોપીનાં જામીન નામંજૂર કરવા માંગણી કરી હતી જે ધ્યાને લઈ વેરાવળ સેશન્સ કોર્ટે આરોપીનાં જામીન નામંજૂર કર્યા હતા.
આરોપીનાં વકીલે પણ જામીન નામંજૂર કરે તો વાંધો નથી હોવાનું જણાવ્યું હતું
તાલાલા તાલુકાનાં ચિત્રોડ ગીર ગામના કથિત બનાવનાં આરોપી ના બચાવ પક્ષે રોકાયેલ વકીલે પણ સરકાર પક્ષે કરેલ રજુઆત અંતર્ગત નામદાર અદાલત આરોપીનાં જામીન નામંજૂર કરે તો વાંધો નથી તેમજ રીમાન્ડ બાબતે ન્યાયાયિક તપાસ માટે આગળની કાર્યવાહી કરવામાં આવે તો પણ વાંધો નથી તેવું કોર્ટ સમક્ષ વિશેષ રજુઆતમાં જણાવ્યું હોવાનું જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા એ જણાવ્યું છે.
આરોપીઓ તાલાલા પોલીસ સમક્ષ મોડી રાત્રે હાજર થયા
રાજ્યભરમાં ચકચાર જગાવનાર તાલાલા તાલુકાનાં ચિત્રોડ ગીર ગામના કથિત બનાવની તપાસ માટે દેવાયત ખવડ સહિતના આરોપીઓએ ફરી તાલાલા પોલીસ સમક્ષ મોડી રાત્રે હાજર થયા હતા. પોલીસ આ બનાવમાં વપરાયેલ હથીયાર તથા લુંટની રકમ કબજે કરવા તથા અન્ય આરોપીઓને પકડવા વધુ તપાસ કરશે તેવું જાણવા મળે છે.
શું પોલીસકર્મી અને દેવાયત ખવડ ગળે મળી રહ્યા છે ?
દેવાયત ખવડ અને તેના સાગરીતો સામે લૂંટ, હત્યાની કોશિશ, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ નોંધાયેલા છે. ફોટો માં જોઈ શકાય છે તે પ્રમાણે પોલીસ સમક્ષ હાજર થતાં સમયે દેવાયત ખવડે પોલીસ સાથે હેન્ડશેક કર્યુ હતું અને ત્યારબાદ તે ગળે મળવા જતા સ્થિતિ પારખી ગયેલા પોલીસકર્મીએ હાથથી ધક્કો મારીને તેનેદૂરકર્યોહતો.



