12 ચોપડી ભણ્યા બાદ કમ્પાઉન્ડરનો અનુભવ મેળવી ક્લિનિક ચાલુ કર્યું હતું
પોલીસે ઘોડા ડોક્ટર પાસેથી દવા, ઇન્જેક્શન સષહત 7600નો મુદામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જીલ્લામાં દર્દીઓ સાથે ચેડાં કરતા ઘોડા ડોકટરો ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે રાજકોટ રૂરલ એસઓજીની ટીમે ગોંડલના સડકપીપળીયા ગામેથી બોગસ તબીબને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જામકંડોરણાના રામપર ગામનો આ શખ્સ 12 ધોરણ સુધી ભણેલો છે અને કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી તેનો અનુભવ મેળવી પોતે જ ડોક્ટર બની દવાખાનુ ચાલુ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
રાજકોટ જિલ્લામાં બોગસ તબીબો સામે કડક કાર્યવાહી કરવા એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા મળેલી સૂચના અન્વયે રૂરલ એસઓજી પીઆઇ એફ એ પારગી અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એએસઆઈ વિપુલભાઇ ગુજરાતી, હેડકોન્સ્ટેબલ પ્રહલાદસીંહ રાઠોડ, કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી અને હીંમતસિહ પાલ સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે ગોંડલના સડક પીપળીયા ગામ નજીક નેશનલ હાઇવે પાસે બાદલભાઈ બાબુભાઈ બેલીમની દુકાનમાં પાર્થ નામનો શખ્સ ડીગ્રી વગર મારૂતિ નામે ક્લીનીક ચલાવે છે આ બાતમી આધારે પોલીસે મોવૈયા પીએચસી સેન્ટરના મેડિકલ ઓફીસરને સાથે રાખી મારૂતિ ક્લિનિકમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન ડો.પાર્થ વિષ્ણુ સ્વામી નામનુ બોર્ડ જોવા મળ્યું હતું અને અંદર એક ટેબલ પાસે ખુરશી ઉપર ગળામાં સ્ટ્રેથોસ્કોપ સાથે બેસેલ શખ્સને નામઠામ પુછતા તેણે પોતાનું નામ પાર્થ ચંદુભાઇ વિષ્ણુસ્વામી ઉ.27 હોવાનું જણાવ્યું હતું. પોલીસે તબિબની ડીગ્રી બાબતે પુછતાં ગલ્લા તલ્લા કર્યા બાદ એવી કબૂલાત આપી હતી કે પોતાની પાસે કોઇ ડીગ્રી નથી, માત્ર 12 ચોપડી ભણેલો છે અને કમ્પાઉન્ડરનો અનુભવ મેળવી તેના આધારે દવાખાનુ ચલાવતો હતો એસઓજીની ટીમે બોગસ તબીબની ધરપકડ કરી અલગ અલગ પ્રકારની દવાઓ અને ઇન્જેક્શન સહિત 7600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.



