સરકાર લોકોને હેરાન કરવા અને દંડ ઉઘરાવવા માટે આ નિયમ લાગુ કરી રહી છે
સરકાર આ નિર્ણય પરત નહીં ખેંચે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આગામી 8 તારીખથી હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે ‘હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ’ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સમિતિનાં સભ્યો દ્વારા જણાવાયું છે કે, આ નિર્ણય તઘલખી છે, સરકાર લોકોને હેરાન કરવા અને દંડ ઉઘરાવવા માટે આ પ્રકારના નિયમો લાદી રહી છે. હાલ 2,000 લોકો અમારી સાથે જોડાયા છે. આગામી 8 સપ્ટેમ્બરે રાત્રે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જો સરકાર આ નિર્ણય પરત નહીં ખેંચે તો આગામી સમયમાં સવિનય કાનૂન ભંગ સહિતનાં કાર્યક્રમો આપી આંદોલન કરવામાં આવશે. નિર્ણય પ્રજા વિરોધી હોવાનો સમિતિનો દાવોહેલ્મેટ સત્યાગ્રહ સમિતિનાં હર્ષિલ શાહે જણાવ્યું કે, ભારતમાં નાગરિકોને શું પહેરવું અને શું ન પહેરવું તે નક્કી કરવાનો અધિકાર છે. હેલ્મેટ પહેરવું કે ન પહેરવું તે માટે વ્યક્તિની પોતાની મરજી પર આધાર રાખવો જોઈએ. સરકાર દ્વારા આ પ્રકારનું ફરજિયાતપણું કંપનીઓને ફાયદો કરાવવાનો એક પ્રયાસ છે.
સરકારનું મુખ્ય કામ લોકોને સારી સુવિધાઓ પૂરી પાડવાનું છે, જેમાં સુચારુ ટ્રાફિક વ્યવસ્થા અને સારા રસ્તાઓનો સમાવેશ થાય છે. પરંતુ, આ મૂળભૂત ફરજો પૂરી કરવાને બદલે, સરકાર દંડ ઉઘરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પ્રજાના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના અવાજને સાંભળી રહ્યા નથી. સમિતિના જણાવ્યા અનુસાર, રાજકોટની મોટાભાગની પ્રજા નથી ઈચ્છતી કે હેલ્મેટ ફરજિયાત બને. હાલમાં 2000 થી વધુ નાગરિકો આ સમિતિ સાથે જોડાયેલા છે, અને આગામી દિવસોમાં સંખ્યામાં મોટો વધારો થવાની શક્યતા છે. આ વિરોધના ભાગરૂપે, હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ દ્વારા આગામી 8 તારીખ, સોમવારે, રાત્રે 10 થી 11 વાગ્યા સુધી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં હેલ્મેટના ફરજિયાત કાયદાનો વિરોધ કરવા અને ભવિષ્યમાં આંદોલનની રણનીતિ ઘડવા માટે ચર્ચા કરવામાં આવશે. સમિતિએ રાજકોટના તમામ જાગૃત નાગરિકોને આ મિટિંગમાં જોડાવા માટે અપીલ કરી છે. અને જો સરકાર નિર્ણય પરત નહીં ખેંચે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.



