સાધુ-સંતો સહિત 3000થી વધુ લોકો જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ શહેરમાં ’અશાંત ધારો’ તાત્કાલિક લાગુ કરવાની માંગ સાથે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા ગત રોજ એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ હોવા છતાં, આ રેલીમાં સંતો-મહંતો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ, કોર્પોરેટરો અને વિવિધ વોર્ડના 1, 2, 4, 5, 8, 9, 10, 11, 12ના રહીશો સહિત 3,000થી વધુ નગરજનો જોડાયા હતા. રેલી ઝાંસીની રાણી સર્કલથી શરૂ થઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી.
- Advertisement -
હિન્દુ હિત રક્ષક સમિતિએ જણાવ્યું હતું કે, વર્ષ 2020 થી 2025 દરમિયાન શહેરના વિવિધ વોર્ડ દ્વારા અશાંત ધારા અંગે અનેક લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી સરકાર તરફથી કોઈ સંતોષકારક પ્રત્યુત્તર મળ્યો નથી. સમિતિના જણાવ્યા મુજબ, આના પરિણામે હિન્દુ બહુમતીવાળા વિસ્તારોમાં હવે હિન્દુ પરિવારોની સંખ્યા ઘટી રહી છે, જેના કારણે ભય અને અસુરક્ષાનો માહોલ ફેલાયો છે. સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે, સારી સોસાયટીઓ અને વિસ્તારોમાંથી હિન્દુ પરિવારો પલાયન કરવા મજબૂર બન્યા છે. જો આ કાયદો તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં નહીં આવે, તો સામાજિક વૈમનસ્ય ઊભું થવાની સંભાવના છે. આ રેલી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. આ મુદ્દો શહેરમાં એક ગંભીર સામાજિક ચર્ચાનો વિષય બન્યો છે.



