પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચને કર્મચારી, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ, મતદારોના માર્ગદર્શન, EVM પાછળ કરોડોનું આંધણ થાય છે
કાંતિ અમૃતિયા સમર્થકોના વિશાળ કાફલા સાથે વિધાનસભા પહોંચ્યા હતા પરંતુ ગોપાલ ઇટાલિયા ફરક્યા નહીં
- Advertisement -
ધારાસભ્ય અથવા સાંસદ ટર્મ પહેલા જ રાજીનામું આપે તો ચૂંટણી પંચ ચૂંટણીનો તમામ ખર્ચ તેમની પાસેથી લે તો આ સિલસિલો કદાચને બંધ થાય
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના રાજીનામાના નાટકનું સૂરસૂરિયું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના રાજીનામાના નાટકનું સૂરસૂરિયું થઈ ગયું છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપેલા પડકારને પૂર્ણ કરવા માટે પોતાના સમર્થકોની લગભગ 100 ગાડીના વિશાળ કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા.
જ્યાં તેમણે સવા બાર વાગ્યા સુધી ઇટાલિયાની રાહ જોઈ હતી. જો કે, ઇટાલિયા ન આવતાં તેઓ વિધાનસભાથી પરત આવી ગયા છે. ત્યારે સવાલ એ થાય કે, ધારસભ્યો પોતાના અહમ સંતોષવા આવા રાજીનામાનો ખેલ કરે છે પરંતુ તે લોકોને એ નથી ખબર કે, એક પેટાચૂંટણી પાછળ ચૂંટણી પંચને કરોડો રૂૂપિયા ખર્ચવા પડે છે જે જનતાના ટેક્સમાંથી વસૂલેલા છે સાંસદ અથવા ધારાસભ્ય પાર્ટી બદલે અથવા પોતાનો અહમ સંતોષવા ટર્મ પહેલા જો રાજીનામું આપે તો ચૂંટણીનો તમામ ખર્ચ તેની પાસેથી વસૂલવા આવે તો કદાચ આ સિલસિલો બંધ થાય.
’ગોપાલ ઇટાલિયા આવશે તો હું રાજીનામું આપીશ’ ઇટાલિયાને આપેલી ચેલેન્જ પૂરી કરવા કાંતિભાઈ અમૃતિયા આજે સવારે પોતાના નિવાસસ્થાનેથી અંદાજે 100 કરતાં વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા.
જ્યાંથી તેમણે જણાવ્યું હતું કે, મને ગોપાલ ઇટાલિયાએ લડવા માટે આહવાહન કર્યું એટલે હું આવ્યું છે. હું મારા કાગળ લઇને આવ્યો છું, જો ઇટાલિયા આવશે તો હું રાજીનામું આપીશ. હું ગોપાલ ઇટાલિયાની સવા બાર વાગ્યા સુધી રાહ જોઇશ.
જો કે, સવા બાર વાગ્યા સુધી ઇટાલિયા ન આવતા કાંતિ અમૃતિયાએ ફરીથી જણાવ્યું કે, જો ઇટાલિયા હજીએ શપથ લઇને રાજીનામુ આપતા હોય તો હું હજી બે કલાક બેસીશ.
ગોપાલભાઇ ખોટુ રાજકારણ કરે છે, એ વ્યાજબી નથી. જેને લઇને ઇટાલિયાના કાર્યકર્તા બોલ્યા કે ત્યાં ગોપાલભાઇ આવશે ને વિસાવદર જેવું થશે. એટલે મેં એમને જવાબ આપ્યો ને એમણે જવાબ આપ્યો. હું વચનનો પાક્કો છું, કહ્યા મુજબ આજે આવ્યો છું પણ ગોપાલભાઇ નથી આવ્યા, પણ જ્યારે કહેશે ત્યારે હું આવીશ. પાટીદાર સમાજ એક છે, પણ સમાજમાં ઇટાલિયા જેવા માણસો હોય જે ખોટા રસ્તે દોરતા હોય છે. જેથી આવા માણસોને રોકવા માટે હું આવ્યો છું.
શું છે આ રાજીનામાના ચેલેન્જની રાજનીતિ ?
વિધાનસભાની પેટાચૂંટણીમાં વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલીયાનો વિજય થયા બાદ, મોરબીમાં છેલ્લા સપ્તાહમાં જુદા જુદા વિસ્તારોમાં આંદોલનો જોવા મળ્યા હતા. આ આંદોલનો દરમિયાન વારંવાર “વિસાવદર વાળી થશે” તેવી ચીમકીઓ ઉચ્ચારવામાં આવતી હતી, જેનો ઉદ્દેશ્ર્ય મોરબીના લોકોને ઉશ્ર્કેરવાનો અને તંત્રને બાનમાં લેવાનો હતો. આના જવાબમાં, કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો કે, જો ગોપાલ ઇટાલીયા મોરબી બેઠક પરથી ચૂંટણી લડવા આવે અને જીતી જાય, તો તેઓ પોતે રાજીનામું આપશે અને ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂૂપિયાનું ઇનામ આપશે. ગોપાલ ઇટાલિયાએ પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂકીને આ ચેલેન્જ સ્વીકારી હોવાનું દર્શાવ્યું હતું, જેનાથી આ ’ચેલેન્જ રાજનીતિ’નો પ્રારંભ થયો હતો.