આજે તા. 25 જૂનનો દિવસ એટલે કલંકિત દિવસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
આજરોજ સાંજે 6-00 કલાકે રાજકોટ શહેર ભાજપ કમલમ્ કાર્યાલય ખાતે ‘સંવિધાન હત્યા દિવસ’ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. આ સેમિનારમાં રાજકોટ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે 50 વર્ષ પહેલાંનો એ 25 જૂન લોકશાહીના ઈતિહાસનો કલંકિત અને કાળો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તત્કાલિન વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીએ મંત્રીમંડળની પરવાનગી વગર તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરૂદ્દીનઅલી અહમદ પાસે રાતોરાત આદેશ પર હસ્તાક્ષર કરાવી દેશમાં ‘કટોકટી’ જાહેર કરી હતી. 635 દિવસ ચાલેલા આ યુદ્ધમાં ગુજરાતની ભૂમિકા મહત્ત્વની હતી. કોંગ્રેસ સરકારનો વિરોધ કે વિરોધની વિચારસરણી ધરાવનાર માટે ઘર નહીં પરંતુ જેલ એ ઘર બની ગયું હતું. દેશભરમાંથી હજારો કાર્યકરો જેમાં ભારતીય જનસંઘ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, અખિલ ભારતીય વિદ્યાથી પરિષદ સહિત બિનપક્ષીય સામાજિક કાર્યકરોને કોંગ્રેસની સરકારના દિશાદર્શન હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા હતા. દેશમાં રાજકીય વિરોધના કે દેશના હિતના વિચારો રજૂ કરનારને કોઈ સ્થાન ન હતું. ગરીબોની વેદના સાંભળનાર કોઈ નહોતું, શોષિત, પીડિતનો અવાજ રજૂ કરનાર જેલ ભેગા થઈ ગયા હતા. જેમાં અટલ બિહારી બાજપાયી, લાલકૃષ્ણ અડવાણી, સ્વ. વિજય રાજમાતા સિંધિયા સ્વ. ગાયત્રીદવી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના તત્કાલિન સરસંઘ ચાલક સ્વ. બાળાસાહેબ દેવરસ સહિત હજારો લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. જે તે સમયે ગુજરાતમાં જનતા સરકારની સરકાર હતી અને કોંગ્રેસ સરકારના આ નિર્ણયથી સરકારે કટોકટી સામે રાજીનામુ આપી આંદોલનમાં ઝુકાવ્યું હતું. કટોકટી વિરુદ્ધ લડવા માટે આપણી ગુજરાતી ભૂમિ એ સલામત સ્થળ છે એ વાક્યનો જનસંઘના તત્કાલિન મહામંત્રી સ્વ. વસંતભાઈ ગજેન્દ્ર ગડકરે કહ્યું હતું અને કરી બતાવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ વધુમાં જણાવ્યું હતું કે આ કટોકટીના મયે લોકશાહીની રક્ષા માટેના આ આંદોલનમાં ગુજરાત રાજ્ય દેશને દિશા આપનારૂં રાજ્ય બન્યું હતું. ગુજરાત અને ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી જેવા વિચક્ષણ કાર્યકરોની યુક્તિઓ, યોજનાઓ, ભૂગર્ભ લડાઈની યોજનાઓ થકી કટોકટીને ઉઠાવવી પડી હતી અને દેશમાં લોકશાહીની પુન:સ્થાપના થઈ હતી.



