બે જ દિવસમાં સૌરાષ્ટ્રની જળ સમસ્યાનો અંત : 5 જિલ્લાનાં 38 ડેમ ઓવરફ્લો
ખાસ-ખબર સંવાદદાતા
સોમવારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં 22 ઇંચ સુધીનો વરસાદ પડી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગરના કાલાવડ તાલુકામાં 22 ઇંચ વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થતાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદી ખેંચથી તળિયાઝાટક થવાની અણી પર રહેલા ડેમ ભાદરવામાં ભરપૂર મેઘથી છલકાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થયા છે. રાજકોટ માટે જીવાદોરી સમાન ભાદર ડેમ ઓવરફ્લો થવામાં 5 ફૂટ જ બાકી છે. જ્યારે આજી-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.
રાજકોટ જિલ્લાના 17 ડેમ ઓવરફ્લો થયા છે. ભાદર-2, ન્યારી-1, ન્યારી-2, આજી-2, આજી-3, છાપરવાડી-1, છાપરવાડી-2, વેરી, ફોફળ મોતીસર, ડોંડી, ઈશ્વરિયા, ખોડાપીપર, લાલપરી, મોજ, વેણુ-2 તેમજ સોડવદર-2 ડેમ ઓવરફ્લો થયો છે. ભાદર ડેમમાં 5 ફૂટની આવક થતાં હાલ સપાટી 28 ફૂટને પાર થઈ છે. જેથી ડેમ છલકાવામાં માત્ર 5 ફૂટ જેટલો જ બાકી છે. આજી ડેમ પણ 90 ટકાથી વધુ ભરાયો છે, જેથી ગમે ત્યારે છલકાય તેમ હોવાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.
- Advertisement -



