દરેક વોર્ડમાં મીઠું પાણી આપવા વિરોધ પક્ષના નેતાની રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ હારીજ
હારીજ ખાતે પાલિકા ચૂંટણી પછીની નવીન બોડીના સાનિધ્યમાં બીજી સાધારણ સભા યોજાઇ હતી.જેમાં કામો અધૂરા મુકેલ કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં મૂકી કોઈ દિવસ નવીન કામ આપવા નહીં એમના બિલો અટકાવવા તેમજ મીઠું પાણી દરેક વોર્ડમાં મળે તેનું આયોજન કરવું છે. વર્ષોથી પાલિકાની દુકાનોના જુના ભાડા છે તેમાં વેપારીઓની મિટિંગ બોલાવી ભાડા વધારવા તેમજ કર્મચારીઓ કામ કરતા ના હોય તેવા હંગામી કર્મચારીઓને છુટા કરવા પડે તો છુટા કરી કર્મચારી લેવા તેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી અને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
- Advertisement -
નગર પાલિકાની સાધારણ સભામાં પાલિકાની જગ્યામાં મુકેલા કેબીનો દુકાનોના ભાડા પાલિકાને જુના ભાડા ચૂકવાય જ્યારે મૂળ માલિકો અન્ય લોકોને ભાડે આપી તોતિંગ ભાડાઓ વસુલ કરતા હોય છે. માટે પાલિકા ભાડા વધારા વિશે ચર્ચા કરાઈ હતી. વિપક્ષ નેતા ધીરાજીએ રજુઆત કરતા જણાવ્યું હતું કે પાલિકાનું કામ ખેલદિલી પૂર્વક કરતા હોય એવા કર્મચારી યોગ્ય છે પણ પાલિકાનું કામ કરતા હોય નહીં એવા કર્મચારીઓ ને છુટા કરવા કહ્યું હતું તેમજ જ્યા પણ વિકાસ કામો શરૂ થાય તો દરેક નગર સેવકને જાણ કરવી અને સ્થળ પર ગુણવતાભર કામ થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.આરતીબેન મેહતાએ પાલિકાના દરેક ટ્યુબવેલ ઓપરેટર, પ્લમ્બર, વાહન ડ્રાઈવરો વગેરેનું મોબાઈલ લિસ્ટ દરેક નગર સેવકોને આપવું જેનાથી કોઈ પણ કામ હોય સીધો સંપર્ક થઈ શકે અને દુકાનોના ભાડા વધારા બાબતે દરેક દુકાનદાર, કેબિનધારક વેપારીઓની પાલિકા ખાતે મિટિંગ બોલાવી સર્વ વેપારીઓને વિશ્વાસમાં લઈ ધારા ધોરણ મુજબ સ્ટેપ બાય સ્ટેપ ભાડા વધારો કરવા સૂચન કરવામા આવી હતી.
તળાવ બ્યુટીફીકેશનનો કેશ હાઇકોર્ટમાં ચાલતો હોઇ વકીલ રોકવા ચર્ચા કરાઈ હતી. મીઠું પાણી દરેક વોર્ડમાં મળે અને ભૂગર્ભ ગટરોની કાયમી સમસ્યા ઝડપી હલ કરવા જણાવ્યું હતું. નવીન બનાવાયેલા શાકમાર્કેટ આજદિન સુધી ચાલુ થઈ નથી. તે ઓટલાઓ બેઠકોની હરાજી કરી શરૂ કરવા અંગે તેમજ વેરા વસુલાત માટે કડક પગલા ભરી ભૂતિયા કનેકશન દૂર કરવા પણ ચર્ચા થઈ હતી. પાલિકામાં દરેક વાહનો કર્મચારીઓના વીમા લેવા માટે સર્વસંમતિ થી બહાલી આપી હતી.અને પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચીત લાભાર્થીઓને લાભ આપવા ચર્ચા કરાઈ હતી. સભામાં પ્રમુખ ધરતીબેન, ઉપ પ્રમુખ, કિંજલબેન , કોર્પોરેટરો હાજર રહ્યા હતા.
નગર સેવકો પક્ષપાત રાખ્યા વગર વિકાસલક્ષી કામોને આગળ ધપાવશે : વિરોધ પક્ષના નેતા
હારીજ નગર પાલિકામાં આવતા વિકાસના અધૂરા કામો છોડનાર એજન્સીઓને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે હંગામી કર્મચારીઓ ખેલદિલી પૂર્વ ફરજ બજાવતા કર્મચારી યોગ્ય છે પાલિકાનું કામ યોગ્ય નહિ કરતા કર્મચારીઓને છુટા કરવામાં આવે આગામી સમયમાં પાલિકાને ભ્રષ્ટાચાર મુક્ત બનાવી નગરના સર્વાંગી વિકાસ માટે તમામ નગર સેવકો પક્ષપાત રાખ્યા વગર નીડરતાથી વિકાસ લક્ષી કામોને આગળ ધપાવશું.



