ટેન્ડર વગર જ રૂ.1.89 કરોડનું કામ આપી દેવાયાના આક્ષેપો બાદ કમિશનરે કહ્યું- ‘કામ નિયમ મુજબ જ થયું છે’
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાએ ટેક્સ ભરનાર કરદાતાને આપવા માટે રૂપિયા 119નું એક એવા 1.60 કેલેન્ડર છપાવ્યા હતા. જે કામ કોઈ મંજૂરી વગર જ અપાયું હોવાના આક્ષેપ થતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કામ નિયમ મુજબ જ થયું હોવાની વાત કરી હતી.સમગ્ર મામલે તપાસ કમિટી નિમિ અને તપાસ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમજ આ તપાસમાં કેલેન્ડરની સંખ્યા અને ગુણવત્તા સહિતનાં મુદ્દા આવરી લેવાયા હતા. જેમાં તમામ બાબતો યોગ્ય હોય તેની ખાતરી થયા બાદ માર્ચ તેનું પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનો બચાવ કર્યો હતો.
મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આ વખતે પહેલી વખત છખઈ દ્વારા કેલેન્ડર છાપવામાં આવ્યા છે. આ કેલેન્ડર છાપવાની પ્રક્રિયામાં પારદર્શિતા ચકાસવા માટે ડેપ્યુટી કમિશ્નરના વડપણ હેઠળ કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ જેટલા કેલેન્ડર છાપવા માટે ઓર્ડર કરવામાં આવ્યો હતો તે ખરેખર છપાયા છે કે નહીં, વર્ક ઓર્ડર મુજબ ગુણવત્તા જળવાઈ છે કે નહીં, તેમજ ટેન્ડર પ્રોટોકોલ મુજબ કોઈ નિયમ ભંગ થયો છે કે નહીં તેની ખરાઈ કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેન્ડર બહાર આપવામાં આવ્યું નથી અને ટેન્ડર મેન્યુઅલ મુજબ જ કામ થયું છે. જે કેલેન્ડર છાપવામાં આવ્યા છે તેમની ગુણવત્તા નક્કી થયા મુજબની જ છે. કમિશનરના કહેવા મુજબ, આ કેલેન્ડરનું બિલ રેટ કોન્ટ્રાક્ટથી ચૂકવવામાં આવ્યું છે અને આઇટમ મામલે પ્રિન્ટિંગ કરાવવામાં આવ્યું છે. આ કામ બીડ કરીને ટેન્ડર દ્વારા આપવામાં આવ્યું હોવાથી કોઈ ગેરરીતિ થઈ નથી. તેમજ સમગ્ર પ્રક્રિયા નિયમાનુસાર થઈ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ કામના રેટ કોન્ટ્રાક્ટમાં “કેલેન્ડર” શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. તેમજ 31 માર્ચના રોજ કમિશ્નરે 1.60 લાખ કેલેન્ડરના રૂ.1.89 કરોડના બિલ માટે તાત્કાલિક સહીઓ કરી હોવા છતાં, મેગા સ્ટાર કોર્પોરેશન નામેં કંપનીને 17 જાન્યુઆરીએ લેખિતમાં વર્ક ઓર્ડર અપાયા બાદ લાંબા સમય સુધી કેલેન્ડરો ધૂળ ખાઈ રહ્યા હતા. તેમજ મામલો પ્રકાશમાં આવ્યા બાદ રાતોરાત સ્ટોર રૂમમાંથી કેલેન્ડરો ગાયબ કરી દેવામાં આવ્યા હતા, જેને લઈ અનેક સવાલો ઉઠ્યા હતા. જોકે મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ આ આક્ષેપોને નકારી
કાઢ્યા હતા.