નાના મવા રોડ પર નિર્માણાધિન બિલ્ડિંગ યુનીટી પ્લસમાં થતાં ધડાકાઓથી સ્થાનિકો ત્રસ્ત
અનેક વખત રજૂઆત છતાં તંત્ર મૌન, ટોટા ફોડવાની વહિવટી તંત્રમાંથી મંજૂરી નહિં લીધી હોવાની સ્થાનિકોમાં ચર્ચા
પહેલાં પણ પોલીસમાં અરજી કરી છતાં કોઈ ઉકેલ નહીં આવતા રહિશો રોષે ભરાયા
ખાસ-ખબર સંવાદદાતા
નાના મૌવા મેઈન રોડ વિસ્તારમાં બેકબોન બિલ્ડર્સ (યુનીટી પ્લસ) દ્વારા જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેના ભેદી ધડાકાઓથી આસપાસના રહેવાસીઓને પોતાના જ ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. આ અંગે અનેક વખત વિરોધ કરી ચૂક્યા છે પરંતુ અમુક અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતાં આ બિલ્ડરોનું કોઈ કાંઈ બગાડી શકતા નથી તેવી લોકચર્ચાઓ ઉઠવા પામી છે.
આ અંગે વધુમાં રહેવાસીઓ જણાવી રહ્યા છે કે અહીં અવારનવાર ભેદી ધડાકાઓ કરવામાં આવી રહ્યા છે જેથી ઘરના બાળકો અને વૃદ્ધો પોતાના જ ઘરમાં રહેતાં ડરી રહ્યા છે જાણે ધરતીકંપ આવ્યો હોય તેવો ભય સતત આ લોકોના મનમાં રહે છે. આ ભેદી ધડાકાથી આસપાસના ફલેટો ધ્રુજી ઊઠે છે. ઘરમાં મોટી-મોટી તિરાડો પડી ગઈ છે. વાસણો અચાનકથી પડવા લાગે છે. જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ તંત્ર અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પણ ગયેલ પરંતુ મિલીભગતના કારણે પોલીસ તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. બિલ્ડરો પણ કહે છે કે ‘જેને ફરિયાદ કરવી હોય તેને કરો કોઈ મારું કંઈ બગાડી શકશે નહીં.’ ગઈકાલે સાંજે પણ મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી ગયા હતા અને 100 નંબર પર કોલ કરતાં માત્ર એક પોલીસ આવી હતી અને વાતો કરી ‘કંઈક કરશું’ એમ કહી ઉડાવ જવાબ આપી જતી રહી હતી. અંતે મોટા મૌવા તાલુકા પોલીસ સ્ટેશને રહેવાસીઓ દોડી ગયા હતા આમ ત્યાં હાજર પી.આઈ. જે. વી. ધોળા કે જેમને આશરે બે-ચાર દિવસ પછી કોઈ ઉકેલ લાવવાની લોલિપોપ લોકોને આપી છે. હવે શું આ અંગે કોઈ કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું.
- Advertisement -
આ અંગે તા. 23-8ના રોજ મોટા મૌવા તાલુકા પો. સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. અંતે ત્રાસીને કાલે ફરી આવા ધડાકા થતાં લોકો ગભરાઈને ઘર બહાર દોડી આવ્યા હતા. અહીં ચાલતી કોમર્શિયલ સાઈટ પર સેલર ખોદવા માટે ટોટા ફોડવામાં આવે છે. ખરેખર આ ટોટા ફોડવા માટેની મંજૂરી કલેકટર પાસેથી લેવાની હોય છે અને લોકલ પોલીસ અભિપ્રાય આપે પછી જ આ ટોટા ફોડવાની મંજૂરી આપવામાં આવે છે પરંતુ આ બિલ્ડર્સને ટોટા ફોડવાની મંજૂરી આપી છે તેવું કોઈ લખાણ કે મંજૂરી પત્ર પણ દેખાડવામાં ન આવતા ખરેખર મંજૂરી પત્ર મળ્યો છે કે નહીં તે અંગે પણ એક સવાલ રહેવાસીઓમાં ઉઠી રહ્યો છે. લોકલ પોલીસે પણ આ અંગે આસપાસના અનેક સોસાયટીના રહેવાસીઓ પાસે અભિપ્રાયો લીધા નથી અને એવો ઉડાઉ જવાબ મળેલ કે ‘હું એકલો ઘરે ઘરે અભિપ્રાય લેવા ન જાઉં’ આમ પોલીસ દ્વારા કોઈ અભિપ્રાયો લેવામાં આવ્યા નથી તો આ યુનિટી પ્લસ (બેકબોન ગ્રુપ)ના બિલ્ડર્સ ટોટા કેમ ફોડી શકે આ એક પ્રશ્ર્ન છે? આ ઉપરાંત અહીંના રહેવાસીઓ દ્વારા તા. 24 ઓગસ્ટ અને તા. 5 સપ્ટેમ્બરના રોજ રાજકોટ મ્યુ. કમિશનર, રાજકોટ જિલ્લા કલેકટર, એસ.પી. રાજકોટ, ડી.જી.પી. ગુજરાત આશિષ ભાટિયા, મામલતદાર રેવન્યુ ડિપાર્ટમેન્ટ રાજકોટ વેસ્ટને ઇમેઈલ મોકલેલ છતાં આજદિન સુધી કોઈ જવાબ સુદ્ધાં પણ મળ્યો નથી. તો શું તંત્ર અને બિલ્ડર્સની મિલીભગત છે? એવા પ્રશ્ર્નો લોકોમાં ઊઠી રહ્યા છે.




