ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને થાનગઢ ખાતે ચાલતા કોલસાના કુઆ પર છેલ્લા બે મહિનાથી ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા એક બાદ એક દરોડા કરી અનેકખનિજ માફિયાઓને ભૂગર્ભમાં ઉતરી જવા મજબૂર કર્યા છે. ત્યારે હાલમાં જ ગત અઠવાડિયે પ્રાંત અધિકારી દ્વારા મૂળીના ખંપાળીયા ગામે સીમ વિસ્તારમાં કોલસાની 11 ખાણો ઝડપી લીધી હતી. જેમાં ટ્રેક્ટર, 200 ટન કોલસાનો જથ્થો, કોમ્પ્રેસર સહિત લગભગ ત્રીસ લાખનો મુદામાલ પણ જપ્ત કરાયો હતો આ કોલસાની ખાણો ચાલતી જમીનોની માપણી કરતા મોટાભાગની ખાણો સરકારી જમીન પર ચાલતી હોવાનું સામે આવ્યું હતું. જેમાં ખેતી લાયક જમીનોની બાજુમાં આવેલ સરકારી જમીન પર કબજો કરી તેમાં કોલસાની ખાણો શરૂ કરી દેવાઈ હતી. આ સરકારી જમીન પર ચાલતી કોલસાની ખાણો અને બાજુના જમીન માલિકો દ્વારા કબ્જો કરી પોતે જ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા હોવાના લીધે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા 18 ઈસમો વિરુધ કાર્યવાહી હાથ ધરી સરકારી જમીન પર કબ્જો કરી ગેરકાયદેસર ખનનની પ્રક્રિયા કરવા બદલ તમામ પર લેન્ડ ગ્રેબિંગ મુજબ કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરી છે.



