છાત્રાએ માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કાલાવડ રોડ ઉપર ગઈકાલે નાની બહેન સાથે ટુ વ્હીલર પર જતી છાત્રા પાસેથી કારમાં આવેલા યુવાને તેનું ઈન્સ્ટા આઈડી અને મોબાઈલ નંબર માંગ્યા હતા.
જે અંગે છાત્રાએ ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે આરોપી આંબેડકરનગરમાં રહેતા નિર્મેશ પોપટભાઈ મકવાણાની અટકાયત કરી હતી.
છાત્રાએ પોલીસને જણાવ્યું કે હાલ તે કાકા સાથે રહી અભ્યાસ કરે છે. ગઈકાલે તેની નાની બહેન અને કાકા સાથે નાસ્તો કરવા કેકેવી હોલ પાસે ગઈ હતી. જયાંથી રાતના 11.30 વાગ્યાની આસપાસ ટુ વ્હીલર ઉપર ઘરે જવા રવાના થઈ હતી. તેના કાકા બાઈક ઉપર આગળ હતા. જયારે તે પાછળ હતી. કેકેવી હોલ નજીક જ અચાનક એક કારે તેનો પીછો શરૂ કર્યો હતો. થોડી વાર બાદ ચાલકે કાર તેના ટુ વ્હીલર નજીક લઈ કહ્યું કે તમારૂં ઈન્સ્ટાગ્રામ આઈડી અને મોબાઈલ નંબર આપો.
જેનો તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. નિર્મલા કોન્વેન્ટ રોડ પરથી તે કાકાના ઘર તરફ વળી ત્યાં સુધી કાર ચાલકે તેનો પીછો કર્યો હતો. ત્યાર પછી તેણે કાકાને બધી વાત જણાવી હતી. થોડીવાર બાદ તેના કાકા અયોધ્યા ચોક ખાતે ચા પીવા ગયા હતા. ત્યારે ત્યાં તે જ કાર ચાલક હાજર હતો.
જેથી તેના કાકાએ તેને ત્યાં બોલાવી હતી. તેના કાકાએ કાર ચાલકની પુછપરછ કરતાં કોઈ જવાબ નહીં આપતાં પોલીસ ક્ધટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. પોલીસ આવી જતાં મોબાઈલ વાનમાં માલવીયાનગર પોલીસ મથકે જઈ આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી હતી.



