રાજ્યભરમાં ‘ટેક હોમ રાશન’ અને ‘શ્રી અન્ન’માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની ચાર ભાગમાં સ્પર્ધા યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
‘પોષણ ઉત્સવ 2024’નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે દેશને વિકસિત ભારતના નિર્માણમાં સશક્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્ત્વની ભૂમિકા રહેલી છે. દરેક ઉંમર અને વ્યક્તિના વિકાસમાં શિયાળાની ઋતુની મહત્ત્વતાને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહી પોષણ, દેશ રોશન’ના સૂત્રને સાર્થક કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ‘પોષણ ઉત્સવ 2024’નો શુભારંભ કરવામાં આવ્યો છે. મંત્રીએ ઉમેર્યું હતું કે સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે, દેશનું દરેક બાળક સ્વસ્થ અને સશક્ત બને તે માટે રાજય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. સશક્ત રાષ્ટ્ર કે રાજ્યના નિર્માણમાં મહિલાઓ અને બાળકોની ભૂમિકાની મહત્તાને ધ્યાનમાં રાખી અમારી સરકારે અવિરતપણે બાળકો, કિશોરીઓ અને મહિલાઓની દરકાર કરી છે. તેમના પોષણ અને વિકાસ માટે અનેક પોષણ તથા મહિલાલક્ષી યોજનાઓના સુયોગ્ય અમલીકરણથી ‘સહી પોષણ, દેશ રોશન’ના અભિગમને સાર્થક કર્યો છે.
- Advertisement -
ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનના વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત પોષણ ક્ષેત્રે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર બાળકો, કિશોરીઓ તથા મહિલાઓને પોષણક્ષમ બનાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. તેમની ઉત્તમ કામગીરીથી બાળકો અને મહિલાઓના પોષણ સ્તરમાં સુધારો થયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કમિશનર રણજીતકુમાર સિંહ દ્વારા સ્વાગત પ્રવચન અને ગાંધીનગર કોર્પોરેશનના આઈસીડીએસ યોજનાના પ્રોગ્રામ ઓફીસર આરતીબેન ઠાકરે આભારવિધિ કરી હતી. આ ઉપરાંત સરગવામાંથી બનાવવામાં આવતી વિવિધ પ્રકારની વાનગીઓની માહિતીસભર ‘મોરિંગા’ સરગવાની વાનગીઓ પુસ્તકનું મંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહાઅભિયાન યોજના તથા સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત આદિમ જનજાતિ ધરાવતા વિસ્તારમાં નવનિર્માણાધિન 57 આંગણવાડી કેન્દ્રો ‘નંદ ઘર’ તથા ત્રણ ઘટક કચેરીનું ઈ-લોકાર્પણ અને ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગરના જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, જયંતિભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ અનિલભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણના સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ, આઈસીડીએસ પ્રભાગના અધિકારી- કર્મચારીઓ, યોજનાના લાભાર્થીઓ સહિત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો હાજર રહ્યા હતાં.



