ખેડૂતોના માલિકીની જમીન પર દબાણ કરી ખનિજ ચોરી થતી હોવાની રાવ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફીયાઓ હવે કોઈના ડર વગર ખનન પ્રવૃતિ ચલાવી રહ્યા છે આ ખનિજ માફિયાઓની હિંમત એટલી હદ સુધી વધી રહી છે કે માલિકીની જમીન પર કબજો કરી ખનન કરી રહ્યા છે જેમાં મુળી તાલુકાના દુધઈ ગામે આવેલી નદીના કાઠે છેલા કેટલાક સમયથી સફેદ માટીનું ખનન ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. અહીં કેટલાક ખેડૂતોના ખેતર એટલે કે ખેડૂતોની માલિકીની જમીન પર માથાભારે ખનિજ માફીયાઓ દ્વારા કબજો કરી સફેદ માટીનું ગેરકાયદેસર ખનન ચલાવી રહ્યા છે. ત્યારે આ મામલે એક ખેડૂત દ્વારા જણાવ્યું હતું કે અન્ય તાલુકાના ખનિજ માફિયા દ્વારા દુધઈ ગામે વાડી હોય જેઓ દ્વારા અગાઉ સરકારી જમીન પર સફેદ માટી નું ખાન શરૂ કર્યું હોય પરંતુ સમય ગયે હવે આજુબાજુના ખેડૂતોને ધમકી આપી માલિકીની જમીનમાંથી સફેદ માટી નું ખાન શરૂ કર્યું છે આ ખનિજ માફીયાઓ માથાભારે ઈસમો હોવાથી તેઓની સામે કોઈ અવાજ નથી ઉઠાવતા પરંતુ આ બાબતે મુળી મામલતદારને અને ખનિજ વિભાગને અનેક વખત જાણ કરાઈ છતાં પણ અધિકારી અહીં ફરક્યા નથી પરંતુ આવતા દિવસોમાં જો સફેદ માટીનું ખનન રોકવામાં નહીં આવે તો જનતા રેડ સુધીની ચીમકી પણ ઉછેરવામાં આવી હતી.



