ધારાસભ્ય હસ્તે 8 કરોડના ખર્ચે વીજ લાઈનનો શુભારંભ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ કેન્દ્ર સરકારની RDSS સ્કીમ અંતર્ગત પીજીવીસીએલમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા દબાણ (એલ.ટી.) વીજ લાઈનમાં વીજ વાયરની જગ્યાએ એલ.ટી.એરિયલ બંચ કેબલ નાખવાની કામગીરીનો શુભારંભ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા શહેરમાંથી શરૂઆત કરવામાં આવેલ છે. સરકારની આ સ્કીમ અંતર્ગત શહેરમાં 92 કિમી.ની એલ.ટી.વીજ લાઈનમાં એરિયલ બંચ કેબલ જુદી જુદી એસેસરીઝ સાથે લગાવવામાં આવશે.
- Advertisement -
આ કામગીરીનો શુભારંભ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમ જૂનાગઢ શહેરના સેટેલાઈટ સબ ડિવિઝન જનકપુરી વિસ્તારમાંથી કરવામાં આવેલ છે. સરકારની આ સ્કીમ અંતર્ગત જૂનાગઢ વર્તુળ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં કુલ 374 કિ.મી. હળવા દબાણની વીજ લાઈનનું 8 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે. ઉપરોક્ત કામગીરીથી ગ્રાહકોને પાવર સપ્લાયની સાતત્યમાં વધારો થશે. વીજ અકસ્માતોથી રક્ષણ મળશે. વીજ વિક્ષેપ ની સમસ્યા નિવારણ થશે.આ તબક્કે ધારાસભ્યએ પીજીવીસીએલની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવેલ હતી તથા ગીરનાર હિલ પ્રોજેક્ટની કપરી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે અભિનંદન પાઠવેલ હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં પીજીવીસીએલના મુખ્ય ઈજનેર એ.એચ.વાઘેલા, જૂનાગઢ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એસ.એચ.રાઠોડ તથા કાર્યપાલક ઈજનેર બી.બી.માણાવદરીયા નાયબ ઇજનેરઓ જુનિયર ઈજનેરો, ટેકનીકલ સ્ટાફના સભ્યો તથા કોન્ટ્રાક્ટર એજન્સીના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા.