ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાં બિનઅધિકૃત રીતે લાઈટ ફિશિંગ કરતા સુભાષનગરના ત્રણ માછીમારોની પકડી પાડવામાં આવી છે. પોરબંદર હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે આ કાર્યવાહી કરીને ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશ મુજબ પોરબંદર જિલ્લાભરમાં દરિયાઈ પેટ્રોલિંગ અને ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. તા. 31 ડિસેમ્બર 2024 સુધી આ ઝુંબેશ સઘન ચેકિંગ સાથે ચાલુ રહેશે. નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાભાના માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટાફે સરકારી બોટ દ્વારા પોરબંદર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ બોટની તપાસ કરી હતી. રાત્રે 8 વાગ્યાના અરસામાં પોરબંદર જેટી પાછળ એક ફાયબર બોટમાં ત્રણ માછીમારો એલ.ઈ.ડી. લાઈટ ફીટ કરીને માછીમારી કરતા જોવા મળ્યા હતા. આ બોટમાં વિજય મોહનભાઈ કિશોર (ઉ.વ. 32), નરશીભાઈ માવજીભાઈ જેબર (ઉ.વ. 48) અને ગોપાલ પરસોતમભાઈ જેબર (ઉ.વ. 48) – ત્રણે માછીમારો રહે. સુભાષનગર પોરબંદર હતા. ટોકન વિના, રજીસ્ટ્રેશન વગર કે ગેરકાયદેસર પદ્ધતિથી માછીમારી કરતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં પોરબંદર મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.ડી. સાળુંકે, પી.એસ.આઈ. એન.કે. વાઘેલા, એ.એસ.આઈ. રાકેશ ચૌધરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાહુલ ધારેચા, કોન્સ્ટેબલ કરશન ઓડેદરા તથા દિનેશ બંધીયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
પોરબંદર : સુભાષનગરના 3 માછીમાર LED લાઈટ કરી ફિશિંગ કરતા પકડાયા



