ફેસબુક એકાઉન્ટ હેક કરી ખેડા પંથકના ગઠિયાએ 2500 પડાવી લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રહેતી મહિલાના એફબી એકાઉન્ટનો ઓટીપી મેળવી હેક કરી ગઠિયાએ રોકડ 2500 પડાવી લેતા સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ પરના બાલમુકુંદ પ્લોટમાં રહેતા ક્રિમીબેન પંકજભાઇ વાગડિયા ઉ.31એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.24 માર્ચના તેમના ફેસબુક એકાઉન્ટ પર તેમની સહેલી મિતલ પાટડિયાનો મેસેજ આવ્યો હતો અને તેણે નોટિફિકેશનમાં આવેલો કોડ માગ્યો હતો ક્રિમીબેને તે નંબર આપતા જ તેમનું ફેસબુક એકાઉન્ટ હેક થઇ ગયું હતું ત્યાર બાદ ક્રિમીબેનના પતિ પંકજભાઇને મેહુલનગરમાં રહેતા તેમના સંબંધી પૂર્વેશભાઇ શાહનો ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, ક્રિમી સોની વાળા ફેસબુક આઇડીના કહેવાથી 2500 ટ્રાન્સફર કર્યા છે જો કે તેમના પત્ની કોઈ પૈસા મંગાવ્યા નહિ હોવાનું જણાવતા સાયબર ફ્રોડ થયાનું સ્પષ્ટ થતાં ક્રિમીબેને પોલીસમાં જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી દરમિયાન ખેડાના નેનપુરની અજિત સોસાયટીમાં રહેતા પ્રિતેશ મહેશ પ્રજાપતિએ પ્રથમ મિતલ પાટડિયાનું એકાઉન્ટ હેક કરી તેના આધારે ક્રિમીબેનને જાળમાં ફસાવી પૈસા પડાવ્યા હોવાનું સામે આવતા આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.