ધોરાજીમાં ટિકિટ ચેકિંગ માટે બસ ઉભી રખાઇ હતી: ટિકિટમાં ગેરરીતિ ન મળી પણ ક્ધડક્ટર પાસેની થેલીમાં દારૂ મળતા ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
ધોરાજી પાસે એસટી વિભાગના ટ્રાફિક ઇન્સ્પેકટર ચેકિંગ દરમિયાન ગાંધીનગર- પોરબંદર રૂટની એસ.ટી બસને રોકી ચેક કરતા કંડકટર પાસે રહેલી થેલીમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી. જેથી ટ્રાફિક ઇન્સ્પેકટરની ફરિયાદના આધારે જેતપુર સિટી પોલીસે પોરબંદર રહેતા અને એસ. ટી વિભાગમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, જેતપુરમાં અમરનગર રોડ પર રહેતા અને જુનાગઢ એસટી વિભાગમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રામકુભાઇ બચુભાઈ ગીડા (ઉ.વ 56) દ્વારા ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે એસટી બસના કંડકટર કૌશિક મગનલાલ જોશી (રહે. પોરબંદર)નું નામ આપ્યું છે.
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તેઓ એસટી બસમાં બસ ટિકિટ અંગે ચેકિંગ માટે નીકળ્યા હતા. દરમિયાન ધોરાજીના સરદાર ચોક ખાતેથી નીકળતી એસ.ટી બસ રોકી બસમાં બેઠેલા મુસાફરોની ટિકિટ ચેક કરતા હતા. દરમિયાન સવારે ચારેક વાગ્યે આસપાસ પોરબંદર બસ ડેપોની ગાંધીનગર- પોરબંદર રૂટની એસ.ટી બસ નંબર જીજે 18 ઝેડ 8850 નીકળતા તેને રોકી મુસાફરોની ટિકિટ ચેક કરી હતી. જો કે તમામ મુસાફર પાસે ટિકિટ હતી.દરમિયાન બસના કંડકટર કૌશિક મગનલાલ જોશી સીટ પર બેઠા હોય તેમના હાથમાં એક થેલી હોય તે થેલી બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે થેલીમાં દવા રાખી છે. પરંતુ શંકાસ્પદ જણાતા આ થેલીની તપાસ કરતા તેમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી. જેથી આ બાબતે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બસમાં બેઠેલા મુસાફરોની અન્ય બસમાં બેસાડી તેઓને રવાના કર્યા હતા ત્યારબાદ આ બાબતે કંડકટર કૌશિક મગનલાલ જોશી (ઉ.વ 54 રહે. પોરબંદર કડીયા પ્લોટ, ગેસ્ટ હાઉસ) વાળા વિરૂદ્ધ આ ફરિયાદ નોંધાવતા પોલીસે કંડકટર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
કરી હતી.



