ગુજરાતનાં 95.3 ટકા પરિવારો પાસે મોબાઈલ અથવા લેન્ડલાઈન ફોન છે : એનએસએસઓનો રિપોર્ટ
લેપટોપ અને ડેસ્કટોપ કોમ્પ્યુટર લોકોનાં જીવનનો અભિન્ન અંગ બની ગયાં છે, પણ ગુજરાતમાં માત્ર 10.5 ટકા પરિવારો પાસે જ લેપટોપ કે ડેસ્કટોપ કોમ્પ્યુટર છે. કેન્દ્ર સરકાર દ્વારા આ મહિનાની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલાં અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડેસ્કટોપ કોમ્પ્યુટર અથવા લેપટોપ ધરાવતાં પરિવારોનાં સંદર્ભમાં ગુજરાત દેશનાં તમામ રાજ્યોમાં 14 માં ક્રમે છે.
- Advertisement -
ગુજરાતમાં શહેરી અને ગ્રામીણ પરિવારો વચ્ચેનો તફાવત વધુ સ્પષ્ટ છે. નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ દ્વારા જુલાઈ 2022 થી જૂન 2023 માટે તૈયાર કરાયેલાં વાર્ષિક સર્વે અનુસાર, ગુજરાતનાં માત્ર 2.7 ટકા ગ્રામીણ પરિવારો પાસે ડેસ્કટોપ કોમ્પ્યુટર અથવા લેપટોપ છે, જ્યારે 19.2 ટકા શહેરી પરિવારો પાસે લેપટોપ અથવા ડેસ્કટોપ કમ્પ્યુટર હોય છે. હિમાચલ પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, તમિલનાડુ, કેરળ અને અન્ય રાજ્યો લેપટોપ અથવા ડેસ્કટોપ કોમ્પ્યુટર ધરાવતાં પરિવારોનાં સંદર્ભમાં સર્વેક્ષણમાં ગુજરાત કરતાં આગળ છે.
શહેરી વસ્તીમાં, ડેસ્કટોપ અથવા લેપટોપની માલિકી ધરાવતાં પરિવારો માટે ગુજરાત તમામ રાજ્યોમાં 15 માં ક્રમે છે, જ્યારે ગ્રામીણ વસ્તીમાં, લેપટોપ અથવા ડેસ્કટોપ કમ્પ્યુટર ધરાવતાં પરિવારોમાં રાજ્ય 19 માં ક્રમે છે. ગ્રામીણ વિસ્તારોમાં, લેપટોપ અથવા ડેસ્કટોપમાં ગુજરાત માત્ર યુપી, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, એમપી, મેઘાલય અને ત્રિપુરાથી આગળ છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતનાં 95.3 ટકા પરિવારો પાસે મોબાઈલ ફોન અથવા લેન્ડલાઈન ફોન છે, જે દેશમાં 18 માં ક્રમે છે. જો કે, લેપટોપ અથવા ડેસ્કટોપ કોમ્પ્યુટરથી વિપરીત, જ્યાં સુધી ફોનનો સંબંધ છે ત્યાં સુધી શહેરી અને ગ્રામીણ પરિવારો વચ્ચે બહુ ઓછો તફાવત છે, કારણ કે સમગ્ર રાજ્યમાં મોબાઈલ ફોનનો વ્યાપક ઉપયોગ છે.