રાજય સરકાર દ્વારા દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જેમાં મનોદિવ્યાંગજનોને આરોગ્યલક્ષી સારવાર સુલભ બને અને આર્થિક મુશ્કેલીને કારણે તેઓ સારવારથી વંચિત ન રહે તે માટે ખાસ ‘‘નિરામયા સ્વાસ્થય વિમા યોજના’’ અંતર્ગત રૂા. ૧ લાખનું સ્વાસ્થ્ય વીમા કવચ આપવામાં આવે છે. આ વિમા કવચનું પ્રિમીયમ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે.
હાલ રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ૪૧૮ મનોદિવ્યાંગ લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી રહયા છે. તેમ જણાવતાં સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગૌસ્વામીએ ઉમેર્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવાની પ્રક્રિયા ખુબ જ સરળ છે. આ માટે લાભ લેવા ઇચ્છુક મનોદિવ્યાંગ લાભાર્થીનું આધાર કાર્ડ અને મેડીકલ સર્ટીફિકેટ અરજીફોર્મ સાથે સામેલ રાખી કચેરી ખાતે રજુ કર્યેથી આ લાભ મેળવી શકાય છે. આ અંગે વધુ વિગતો માટે સમાજ સુરક્ષા વિભાગની કચેરી બહુમાળી ભવન ગ્રાઉન્ડ ફલોર, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


