મહંત દિલીપદાસજીની રથયાત્રા કાઢવાની જીદ
12મી જુલાઈએ નીકળનારી રથયાત્રાને પગલે ભગવાન જગન્નાથ સહિત ત્રણેય રથને કલર કરવાનું શરૂ કરાયું છે.
યાત્રા વહેલી પૂરી કરવા રથ ખેંચવા માટે મજબૂત બાંધાના ખાસ 40 ખલાસીની યાદી તૈયાર મંદિર ટ્રસ્ટી મંડળ, પોલીસ અને કોર્પોરેશને રથયાત્રાની તૈયારી શરૂ કરી દીધી
ખાસ-ખબર સંવાદદાતા
સરકાર રથયાત્રા માટે મંજૂરી આપે કે ન આપે, પણ ચાલુ વર્ષે રથયાત્રા નીકળીને જ રહેશે, એવું જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. એટલું જ નહીં, રથયાત્રા 6 જ કલાકમાં એના નિર્ધારિત રૂટ પર નીકળીને નિજમંદિરે પરત ફરે એ માટે મજબૂત બાંધાના 40 ખલાસીભાઈની યાદી તૈયાર કરાઈ છે. હાલમાં તેમને કોરોનાની રસી અપાવવાની કામગીરી ચાલે છે, યાદીમાંના જે ખલાસીભાઈઓને રસી લેવાની બાકી છે તેમને 2 દિવસમાં રસી આપી દેવાશે.
ચાલુ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં એ અંગે હજુ સુધી સરકારે કોઈ જ નિર્ણય લેવાયો નથી, પરંતુ મંદિર ટ્રસ્ટી મંડળ, મોસાળ, પોલીસ, કોર્પોરેશને રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રથયાત્રા અંગે ચાલતી વિસંગતિ વચ્ચે દિલીપદાસજીએ જણાવ્યું હતું કે સરકાર મંજૂરી આપે કે નહીં આપે, પણ રથયાત્રા તો નીકળશે જ. રથયાત્રાને હવે માંડ 12 દિવસ બાકી રહ્યા છે ત્યારે દિલીપદાસજીના આ નિવેદનથી એ વાત નક્કી છે કે સરકાર રથયાત્રા કાઢવાના મૂડમાં છે, પરંતુ સરકાર હાલમાં કોઈ જાહેરાત કરીને વિવાદ ઊભો થવા દેવા માગતી નથી, જેથી થોભો અને રાહ જુઓની નીતિથી કામ કરી રહી છે. દર વર્ષની જેમ સુરક્ષાદળની 40 કંપની માગવામાં આવશે.


