શહેરની જનતાને દાવામાં પક્ષકાર તરીકે જોડાવા એડવોકેટ કે. ડી. શાહ દ્વારા અપીલ
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લાં ઘણાં સમયથી રાજકોટ અને ગુજરાતની પ્રજા વિરૂદ્ધ સીસી ટીવી કેમેરાઓનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે. હકીકતે સીસી ટીવી કેમેરાઓ નાખવાનો ઉદ્દેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દબાણો અટકાવવા માટે હતો પરંતુ આ સીસી ટીવી કેમેરાઓનો ઉપયોગ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને હેરાન પરેશાન કરી અને ખૂબ જ મોટા સમાધાન શુલ્કના નામે મેમો આપીને ટ્રાફીક પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા બંધારણીય અધિકારોનો ભંગ થાય તેવી અન્યાયી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.
- Advertisement -
રાજકોટના યુવા લોયર્સના ક્ધવીનર હેમાંશુ પારેખ તથા ક્ષત્રીય આગેવાન એડવોકેટ ગીરીરાજસિંહ જાડેજા દ્વારા પોતાને મળેલ અલગ અલગ ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ) રદ કરવા માટે રાજકોટની નામદાર અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાં નામદાર અદાલતે ફરીયાદ રજીસ્ટરે લઈ કમિશનર ઓફ પોલીસ રાજકોટ, આસી. કમિશનર ઓફ પોલીસ (ટ્રાફીક), કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરના જવાબદાર અધિકારીને નોટીસ કરી અદાલતમાં જવાબ રજૂ રાખવા માટે જણાવેલ હતું. જેમાં એસીપી ટ્રાફીક દ્વારા અદાલતમાં હાજર થઈ સરકારી વકીલશ્રી મારફત જવાબ રજૂ કરવામાં આવ્યો છે અને આગળ કોર્ટ કાર્યવાહી માટે અદાલતમાં કેસ પેન્ડીંગ છે.
રાજકોટ પોલીસ દ્વારા માત્ર ને માત્ર રેવન્યુ એકઠી કરવાના એકમાત્ર હેતુથી રાજકોટની જાહેર જનતાને ટ્રાફીક નિયમન ભંગના ઓઠા હેઠળ ગેરકાયદેસર રીતે ઈ-મેમો મોકલવામાં આવે છે તેને પડકારવા રાજકોટના બે ધારાશાસ્ત્રીઓ હેમાંસુ પારેખ તથા ગીરીરાજસિંહ જાડેજાએ રાજકોટના સીનીયર એડવોકેટ કે. ડી. શાહ તથા સંજય શાહ મારફત રાજકોટના મહે. સીની. સીવીલ જજની કોર્ટમાં આવા ઈ-મેમો, ઈ-ચલણ, નોટીસની પ્રક્રિયાને ગેરકાયદેસર ઠેરવવાને માટે રી-પ્રેઝન્ટેટીવ સ્યુટ દાખલ કરી છે. સદરહુ દાવામાં રાજકોટ શહેરની જનતાને વાદી પક્ષકાર તરીકે જોડવા માટે કે. ડી. શાહ દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ કાનુની કામગીરી માટે યુવા લોયર્સની સીનીયર જુનીયર એડવોકેટની ટીમ પ્રમુખ કિરીટ નકુમના માર્ગદર્શન નીચે સતત કાર્યશીલ છે. રાજકોટ શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ઇ-મેમો સંદર્ભે દાખલ કરવામાં આવેલ દાવામાં જો કોઈ વ્યક્તિ વાદી-પક્ષકાર તરીકે જોડાવા માગતા હોય તો તેઓ એડવોકેટ કે. ડી. શાહ મો. 9427220973 તથા એડવોકેટ સંજય શાહ મો. 9426460403નો સંપર્ક કરી શકાશે.


