ખાસ-ખબર સંવાદદાતા
આજે રાતે ઉપલેટાના આકાશમાં ભેદી ધડાકા સાથે ચમકતો અવકાશી પદાર્થ જોવા મળ્યો હતો, બીજી તરફ સોરઠ પંથકમાં પણ આકાશમાં ઉલકા જેવી વસ્તુ જોવા મળતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ઉપલેટામાં રાત્રે 9 વાગ્યે ભયંકર કડાકા સાથે અવાજ આવતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. આકાશમાંથી આગના ગોળા નીચે પડતા હોય એવા દ્રશ્યો દેખાતા લોકોમાં કુતૂહલ જાગ્યું હતું. બનાવનું કારણ જાણવા લોકો એક બીજાને ફોન કરી પૂછવા લાગ્યા હતા. કોઈ ખગોળીય ઘટના છે કે અકસ્માત છે તે અંગે કોઈ સ્પષ્ટ થઈ શકી નહોતી.
- Advertisement -
કેટલાક લોકોએ જેટ ફાઇટર નીકળ્યા પછી આ ભયંકર કડાકો થયો હોવાનું અનુમાન લગાવ્યું હતું. જોકે વાસ્તવમાં તે શી ચીજ છે એ લોકો સમજી શક્યા નહોતા. બીજી તરફ સોરઠ પંથકમાં એક સાથે દસ-બાર જેટલી ચમકતી ઉલ્કા જેવી વસ્તુ જોવા મળી હતી. લોકોએ મોબાઈલમાં એના વીડિયો પણ બનાવી વાઈરલ કર્યા હતા. વંથલી, માણાવદર, રાજકોટ, ભાયાવદર, કોલકી જેવા શહેર-ગામમાં પણ આવા દૃશ્યો જોઈને લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.


