ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 23 પોલીસ મથક આવેલા છે. વર્ષ 2024ની વાત કરીએ તો વર્ષ દરમિયાન કુલ 13,909 પોલીસ ફરિયાદ આ 23 પોલીસ મથકોમાં નોંધાઈ છે. જેમાં સૌથી વધુ પોલીસ ફરિયાદ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.એ ડીવીઝન પોલીસ મથકે વર્ષ 2023ના જાન્યુઆરીથી ડિસેમ્બર માસ દરમીયાન 1870 એફઆઈઆર ફાટી છે. બીજી તરફ મહિલા પોલીસ મથક અને એસીબી પોલીસ મથકે પોલીસ ફરિયાદનો આંક સીંગલ ડીજીટમાં જોવા મળે છે.એ ડીવીઝન પોલીસ મથક સુરેન્દ્રનગર શહેરનું મુખ્ય પોલીસ મથક છે. અહીં દરરોજ ટ્રાફીકને અચડણરૂપ લારીવાળા, પુરઝડપે વાહન ચલાવવા સહીતની ફરિયાદોનું પ્રમાણ વધુ રહે છે.
આથી આ અંક 1870 સુધી પહોંચ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યુ છે. બીજી તરફ અગાઉના વર્ષ 2023માં જિલ્લામાં 10,485 પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જયારે ગત વર્ષ 2024માં 13,909 પોલીસ ફરિયાદ થઈ છે. આમ વર્ષ દરમિયાન 3,424 ફરિયાદોનો વધારો થયો છે.