સિદ્ધાર્થ રાઠોડ : પરિપ્રેક્ષ્ય
પ્રસ્થાન: ભારતીય કુટુંબ વ્યવસ્થામાં કોઈ રોકસ્ટાર પેદા થાય એવું શક્ય નથી. : – એ આર રહેમાન
- Advertisement -
ભારતીય સંગીત ધીરે ધીરે નાશ પામતું હોય એવું લાગ્યા કરે છે. બોલીવુડના ગીતોમાં દરેક બીજું ગીત રિમિકસ નીકળે છે. જે ઓરિજીનલ હોય તેવા ગીતોમાં પણ માધુર્યનો અભાવ ઉડીને આંખે વળગે છે. ગાયકો રાડારાડીને ગાયન સમજે છે, સંગીતકારો આડેધડ બોલાતા શબ્દોને રેપ્ કે હિપહોપ નામે શ્રોતાઓને પધરાવે છે, ગીતના બોલમાં કાવ્યતત્વ હવે રહ્યું નથી. આવા સમયમાં મને જૂનો સમય યાદ આવે કે જ્યારે શબ્દો, સંગીત અને ગાયકી એમ ગીતના ત્રણેય પાસાઓમાં મહેનતુ કલાકારો પોતાનો કસબ બતાવતા. ખાલી શાસ્ત્રીય સંગીતની વાત નથી. જો એમ હોય તો કુમાર સાનુ, કેકે, અલકા યાજ્ઞિક, કિશોરકુમાર, લતા મંગેશકર, રફી, સોનુ નિગમ, શાન, ઉદિત નારાયણ, શ્રેયા ઘોષાલ જેવા ગાયકોના ઘણા ગીતો શાસ્ત્રીય ધોરણો મુજબ ન હતા. સાવ સરળ તરજને પણ પોતાની ગાયકી વડે આ બધા દિગ્ગજો કાળજયી બનાવી દેતા. સંગીતકારો પણ કેવા એકએકથી ચડિયાતા હતા: શંકર જયકિશન મદન મોહન, નૌશાદ લક્ષ્મીકાંત પ્યારેલાલ, રવિ, એસ ડી બર્મન, આર ડી બર્મન, એ આર રહેમાન, જતિન લલિત, નદીમ શ્રવણ અને અમુક હદ સુધી રાજેશ રોશન અને અનુ મલિક પણ. ત્યારબાદ ઘણા વર્ષો સુધી નવા સંગીતકારો – વિશાલ શેખર, પ્રિતમ, સલીમ સુલેમાન, આ બધાએ અમુક હદ સુધી સંગીતના વારસાને જાળવી રાખ્યો. પણ પણ પણ…. હવે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ સંગીતની મહાન પરંપરાનો ધી એન્ડ હવે આવશે. અત્યારના સંગીતકારોમાં પ્રયોગશીલતા શૂન્ય છે પણ માધુર્ય તો સાવ તળિયે પહોંચી ગયું છે. એવામાં ઇન્ટરનેશનલ લેવલે ભારતના સંગીતને મૂકનાર એ આર રહેમાન યાદ આવ્યા વગર રહેતા નથી.
મને એ આર રહેમાન માટે બહુ જ માન છે. રહેમાનની રેન્જ બહુ જ વિશાળ છે. હિન્દુસ્તાની કલાસિકલથી સાવ હાર્ડ રોક સુધીના અલગ અલગ જોનર તેઓ સંગીતમાં ખૂંદી ચૂક્યા છે. ખાલી રોકસ્ટાર એક જ આલ્બમ જુઓ. કુન ફાયા કુન અને નાદાન પરીંદે – આ બંનેને સરખાવો.
તેઓએ સાઉથના દિગ્ગજ કલાકારો જેવાકે વિજય પ્રકાશ, બેની દયાલ, કાર્તિક વગેરેને પણ બોલિવુડમાં ચાન્સ આપ્યા છે. તેના સિવાય, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કલાકારને તેઓ ભારતીય સંગીતમાં લાવ્યા છે. જેમ કે માઈકલ જેક્શન સાથે કામ કરનાર ઓરિયાંથી નામની ગિટારવાદક પાસેથી તેમણે સાડા હક જેવા ગીતમાં કામ લીધું. કાઈલી મીનોગ પાસે ચિગી વિગી ગીત ગવડાવ્યું. આ બને વાત તો જાણીતી છે પણ કેટલાને ખબર છે કે દિગ્ગજ બાસપ્લેયર ગાય પ્રેટે દિલ સે ગીતમાં પોતાનું યોગદાન આપેલ.
- Advertisement -
રહેમાનનો કયો આલ્બમ સર્વશ્રેષ્ઠ એ બાબતે મતમતાંતર હશે પણ મને તેન દિલ સે ફિલ્મનો આલ્બમ કૈક અલગ જ લાગ્યો છે. આના બધા ગીતો મનમાં કૈક અગમ, અકથ્ય સંવેદન જગાવે છે. કોઈ કશિશ, પીડા, તડપ, મુક્તિ, લાલઘૂમ પ્રેમ, મિલન પૂર્વેની ખટમીઠી વેદના, વિરહ, મૃત્યુ……..
એ.આર. રહેમાનના ફેન તરીકે છેલ્લા ઘણા વર્ષોથી નિરાશા જ મળતી હતી અને પછી આ તેરે ઈશ્ક મેં આલ્બમ આવ્યું! ને ઘણા વર્ષે રહેમાને જોરદાર આલ્બમ આપ્યું હોવાની ફીલિંગ આવી. ભલે ને ટાઈટલ સોંગ ચાર્ટ બસ્ટર સાબિત થયું શરૂઆતમાં પણ આલ્બમ સાંભળીને જ દીવાના દીવાના ફેવરિટ બની ગયું હતું. સાંભળીને પહેલી વાત તો સાંભરી કે આ તો સાંસો કી માલા મેં વાળી ટ્યુન છે પણ એમ તો એમ રહેમાને મેલોડી તો આપી. ત્યારે આ ગીત એટલું ન ચગ્યું પણ હવે આ ગીત બધાને બહુ ગમવા લાગ્યું છે અને ખાસ કરીને છેલ્લે આવતા આલાપ અને મુખડા પર તો સિંગર, મ્યુઝિશયન અને કોરિયોગ્રાફર તો ઢગલો વીડિયો બનાવી રહ્યા છે. રહેમાનના સંગીતની ખાસિયત કે તે ગમવામાં વાર લાગે પણ એકવાર તમારા મનમાં તે આવી જાય પછી કબજો જમાવી દે તે વાત વધુ એકવાર સાબિત થઈ. અત્યારે મારા ઈન્સ્ટાગ્રામમાં જ એકલા આ ગીત પરની નાંખી દેતા 10- 15 રીલ્સ મેં સેવ કરીને રાખી છે. વચ્ચે કંઈક કહેવાતું કોન્ટ્રોવર્સીયલ સ્ટેટમેન્ટ આપવા બદલ રહેમાનને બધાએ લબડધક્કે લીધા હતા તો પછી આ ગીતને ખ્યાતિ મળતા બહુ ખુશી થાય છે.
હવે જોઈએ કે રામાયણમાં હાન્સ ઝિમર જેવા દિગ્ગજ સામે તેઓ શું કરતબ બતાવે છે. ભગવાન કરે કે તેઓ રામાયણ સાથે પાછા જુના ફોર્મમાં આવી જાય.
તા.ક. દિવાના દિવાના ગીતનું તમિલ વર્ઝન પણ જબ્બર છે.




