રીના બ્રહ્મભટ્ટ
ચૂંટણી આવે ત્યારે નેતાઓ અને ઉમેદવારો મત માંગવા જનતા પાસે આવે છે. વચનો આપે છે, વિકાસના દાવા કરે છે અને પોતાના કામની વાત કરે છે. પરંતુ સવાલ એ છે કે ચૂંટણી પૂરી થયા પછી શું આપણે ક્યારેય આપણા સાંસદ કે ધારાસભ્યને પૂછીએ છીએ કે તમે પાંચ વર્ષમાં અમારા માટે ખરેખર કેટલાં કામ કર્યાં?
- Advertisement -
આ સવાલ માત્ર કોઈ એક પક્ષ કે કોઈ એક નેતા માટે નથી. દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિ માટે હોવો જોઈએ.
લોકશાહીમાં જનતા મત આપે છે એટલે જનપ્રતિનિધિ ચૂંટાય છે, પરંતુ ચૂંટણી જીત્યા પછી તેની જવાબદારી પૂરી થતી નથી. સાચી જવાબદારી તો ત્યાંથી શરૂ થાય છે. તેમણે સંસદ કે વિધાનસભામાં કેટલા પ્રશ્નો ઉઠાવ્યા? કેટલી ચર્ચામાં ભાગ લીધો? પોતાના મતવિસ્તારના કયા પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કર્યા? કેટલા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સફળ રહ્યા? તેમના મતવિસ્તાર માટે કેટલા વિકાસના કામો કરાવ્યા? જનતા સાથે કેટલો સંપર્ક રાખ્યો? આ બધાની માહિતી પણ જનતા સુધી પહોંચવી જોઈએ.
આ જ દિશામાં એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા સાંસદો અને ધારાસભ્યોની કામગીરીનો વાર્ષિક અહેવાલ જાહેર કરવાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.
- Advertisement -
વિચારવા જેવી વાત છે કે જો કોઈ સામાન્ય કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન થઈ શકે, કોઈ કંપની પોતાના કર્મચારીઓનો કામગીરી અહેવાલ તૈયાર કરી શકે, તો જનતાના મતથી ચૂંટાયેલા જનપ્રતિનિધિની કામગીરીનો જાહેર અહેવાલ કેમ ન હોઈ શકે?
દર વર્ષે એક સરળ અને પારદર્શક અહેવાલ જાહેર થાય જેમાં જનપ્રતિનિધિની હાજરી, પૂછાયેલા પ્રશ્નો, ચર્ચામાં ભાગીદારી, રજૂ કરાયેલા મુદ્દાઓ અને મતવિસ્તાર માટે કરેલી કામગીરી જેવી વિગતો જનતાને સરળતાથી મળી રહે તો મતદારને આગામી ચૂંટણી વખતે નિર્ણય લેવામાં પણ વધુ સચોટ માહિતી મળી શકે.
આ સાથે પક્ષપલટો કરનારા સાંસદો અને ધારાસભ્યોની સંપત્તિની પણ યોગ્ય પ્રક્રિયા દ્વારા ચકાસણી થવી જોઈએ, એવી માંગ પણ મહત્વની છે. કોઈ વ્યક્તિને માત્ર પક્ષ બદલવાના આધારે દોષિત માનવાનો પ્રશ્ન નથી, પરંતુ જ્યારે કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ ચૂંટણી બાદ પક્ષ બદલે ત્યારે તેની જાહેર કરેલી સંપત્તિ અને તેમાં થયેલા ફેરફારો અંગે પારદર્શિતા રહેવી જોઈએ.
કારણ કે અહીં માત્ર રાજકારણનો સવાલ નથી મતદારના વિશ્વાસનો સવાલ છે.
જનતાએ પોતાના મતથી પ્રતિનિધિ પસંદ કર્યો છે તો જનતાને એ જાણવાનો પણ અધિકાર છે કે તેના પ્રતિનિધિએ આખા વર્ષ દરમિયાન શું કર્યું.
ચૂંટણી પહેલાં મત માંગવાનો હિસાબ હોય છે, તો ચૂંટણી પછી કામનો હિસાબ કેમ ન હોય?
લોકશાહી માત્ર પાંચ વર્ષે એક વખત મતદાન કરવાનું નામ નથી. ચૂંટાયેલા પ્રતિનિધિ અને જનતા વચ્ચેની સતત જવાબદારી, પારદર્શિતા અને કામગીરીનો જાહેર હિસાબ પણ લોકશાહીનો જ એક મહત્વનો ભાગ છે.
હવે સમય આવી ગયો છે કે જનતા માત્ર વચનો નહીં, કામનો હિસાબ પણ માંગે.




