ફેન્સી અને નોન-ફેડિંગ ક્રિસ્ટલનો ક્રેઝ વધ્યો
બાળકો માટે લાઇટ-સ્પિનર તો નવજાત માટે સોફ્ટ કોટનની રાખડીની ધૂમ
- Advertisement -
ભાભી માટે બ્રેસલેટ અને બંગળી રાખડીની માંગ, બાળકો માટે લાઇટ અને સ્પિનર રાખડીનું આકર્ષણ
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીનું પ્રતીક એવા રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરની મુખ્ય બજારોમાં રાખડીઓની રોનક જોવા મળી રહી છે. વિવિધ ડિઝાઇન, રંગ અને આકર્ષક કારીગરી સાથેની અવનવી રાખડીઓથી બજારો શણગારાઈ ગઈ છે. વેપારીઓ દ્વારા ગ્રાહકોની પસંદગી અને બજેટને ધ્યાનમાં રાખીને રૂ.10થી લઈને રૂ.600 સુધીની રાખડીઓની વિશાળ રેન્જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રક્ષાબંધનને લઈને બજારમાં પરંપરાગત ધાર્મિક રાખડીઓની માંગ યથાવત્ છે, પરંતુ આ વર્ષે મોર્ડન અને ફેન્સી રાખડીઓનો ક્રેઝ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. ખાસ કરીને યુવાનોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની ડિઝાઇનવાળી રાખડીઓ બજારમાં ઉતારવામાં આવી છે. ભાઈઓ માટે કલરફૂલ દોરા, રૂદ્રાક્ષ, તુલસી તથા ડાયમંડ વર્કવાળી રાખડીઓ ઉપરાંત ચાંદીની રાખડીઓ પણ ગ્રાહકોનું ધ્યાન ખેંચી રહી છે.
આ વર્ષે ખાસ કરીને કાળી ન પડે તેવી નોન-ફેડિંગ ક્રિસ્ટલ રાખડીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. લાંબા સમય સુધી નવી જેવી ચમક જળવાઈ રહેતી હોવાથી ગ્રાહકો આવી રાખડીઓને પસંદ કરી રહ્યા છે. પરંપરાગત ધાર્મિક ભાવના સાથે આધુનિક લુકનું સંયોજન કરતી રાખડીઓ યુવાનોમાં વધુ લોકપ્રિય બની રહી છે. રક્ષાબંધન હવે માત્ર ભાઈના કાંડે રાખડી બાંધવાના પર્વ પૂરતું સીમિત રહ્યું નથી. પરિવારના અન્ય સંબંધોને પણ આવરી લેતી વિવિધ પ્રકારની રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે. ભાભી માટે ખાસ લટકણ, બ્રેસલેટ અને બંગળી રાખડી રૂ.50થી રૂ.600 સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે. આ સાથે ભાઈ-ભાભી, કપલ માટે ખાસ ડિઝાઇન કરાયેલી કપલ રાખડીઓની પણ માંગ વધી રહી છે.
- Advertisement -
નાના બાળકો માટે બજારમાં રાખડીઓની ખાસ વેરાયટી જોવા મળી રહી છે. લાઇટવાળી રાખડી તેમજ સ્પિનર રાખડીઓ બાળકોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે. રંગબેરંગી ડિઝાઇન અને રમકડાં જેવી વિશેષતાઓ ધરાવતી રાખડીઓ બાળકોની પસંદગી બની છે. બીજી તરફ, નવજાત શિશુઓ માટે ખાસ સોફ્ટ કોટનની રાખડીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે. નાજુક ત્વચાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી આવી રાખડીઓમાં નરમ દોરાનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે નાના બાળકો માટે માતા-પિતા આવી રાખડીઓ પસંદ કરી રહ્યા છે.
આમ, રક્ષાબંધન પૂર્વે રાજકોટની મુખ્ય બજારોમાં રાખડીઓની ખરીદીનો માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. પરંપરાગત ધાર્મિક રાખડીથી લઈને આધુનિક ફેન્સી, ક્રિસ્ટલ, ચાંદી, બ્રેસલેટ, કપલ, લાઇટ અને સ્પિનર જેવી રાખડીઓ સુધીની વિશાળ વિવિધતાને કારણે આ વર્ષે બજારમાં ગ્રાહકોને તેમની પસંદગી અને બજેટ મુજબ અનેક વિકલ્પો મળી રહ્યા છે.
ભગવાન માટે પણ ઊનના દોરાની રાખડીઓ
રક્ષાબંધન પર્વમાં ભગવાનને રાખડી અર્પણ કરવાની પરંપરાને ધ્યાનમાં રાખીને બજારમાં ભગવાન માટે ઊનના દોરાની રાખડીઓની પણ વિશાળ રેન્જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિવિધ રંગો અને ડિઝાઇનમાં મળતી આ રાખડીઓ ધાર્મિક ભાવના ધરાવતા ગ્રાહકો માટે ખાસ આકર્ષણ બની રહી છે.




