મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
સરદાર પટેલે આઝાદીની ચળવળ માટેની અહીં મીટિંગ્સ પણ કરી હતી : અમિત શાહ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.8
આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે પી.જે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે અમીન પી.જે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમિતભાઈ શાહે આ પ્રસંગે રથયાત્રાના શુભ દિવસે ઉપસ્થિત સૌને શુભકામનાઓ પાઠવી હતી. તેઓએ રાજ્યમાંથી ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ આવતા વિદ્યાર્થીઓને રહેવા આ અત્યાધુનિક સંકુલ બનાવવા બદલ સૌ ટ્રસ્ટી ઓને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ કહ્યું કે કોઈપણ સંસ્થા પાંચ દસ વર્ષ ચાલે તો આગળ વધી કહેવાય પણ 100 વર્ષ ત્યારે જ ચાલી શકે જ્યારે સમગ્ર સમાજ સાથે હોય. આ સંસ્થાએ હજારો બાળકોના જીવનમાં શિક્ષણનો ઉજાસ રેલાવ્યો છે.
ઉત્તર ગુજરાતમાં એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાંથી કડવા પાટીદાર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી ચૂકેલ વિદ્યાર્થીઓ ગુજરાત અને દેશની સેવામાં ન હોય.
અમીત શાહે વધુમાં કહ્યું કે આ ભૂમિ ઐતિહાસિક છે. આદરણીય સરદાર પટેલે અનેક દિવસો અહીં પસાર કરી અને અહીંથી જ આઝાદીની ચળવળ માટેની મીટીંગ્સ પણ કરી છે. તેઓએ કહ્યું કે આ ઐતિહાસિક ભૂમિ પર અભ્યાસ કરવો એ જીવનનો અદભુત અનુભવ છે. દરેક ધરતીના એક સંસ્કાર હોય છે. તેઓએ કહ્યું કે હવે આપણે આઝાદ થઈ ચૂક્યા છીએ એટલે વિદ્યાર્થીઓએ દેશ માટે મરવાની જરૂર નથી પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ કાર્યક્રમમાં તેઓને સહભાગી બનાવવા બદલ સર્વે ટ્રસ્ટી નો આભાર માન્યો હતો. તેઓએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં ગુજરાત આજે દરેક ક્ષેત્રમાં વિકાસ પથ પર અવિરત આગળ વધી રહ્યું છે. તેઓએ કહ્યું કે છાત્રાલયો શિક્ષણ સાથે વ્યક્તિત્વના ઘડતરનો મજબૂત આધાર સ્તંભ છે. દરેક સમાજની પ્રગતિનો આધાર શિક્ષણ હોય છે. તેઓએ કહ્યું કે અમિતભાઇ શાહની વિઝનરી લીડરશીપમાં સમગ્ર ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં શિક્ષણથી એકપણ બાળક વંચિત ન રહે તે પ્રમાણે કામગીરી થઈ રહી છે. તેઓએ કહ્યું કે ઉચ્ચ શિક્ષણ માટે ગામડાઓમાંથી શહેરમાં આવતા યુવાનોને છાત્રાલયની સુવિધા આપવા રાજ્ય સરકારે સમરસ છાત્રાલય દ્વારા એક ઉત્તમ વ્યવસ્થા ઊભી કરી છે.
- Advertisement -
આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, અમીન પીજે કડવા પાટીદાર સંકુલના ટ્રસ્ટના હોદ્દેદારો, સર્વે દાતાઓ, વાલીઓ, વિદ્યાર્થી ગણ તેમજ શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.