યુવક મિત્રની ઓફિસમાં, પ્રૌઢ ઘરે ઢળી પડ્યા, મહિલાને ઊલટી થયા બાદ બેભાન
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં હાર્ટએટેકથી યુવક સહિત વધુ ત્રણનાં મોત નીપજ્યા હતા. યુવક મિત્રની ઓફિસમાં બેભાન થઇ ગયો હતો. મહિલા ઘરમાં ઢળી પડ્યા હતા અને પ્રૌઢનું પણ બેભાન હાલતમાં મૃત્યુ થયું હતું.
યુનિવર્સિટી રોડ પરના માધવપાર્કમાં રહેતો રાહુલ નાનજીભાઇ સોલંકી (ઉ.વ.32) રવિવારે 150 ફૂટ રિંગ રોડ પર બિગબજારની સામે ઇમ્પિરિયલ હાઇટ્સમાં તેના મિત્ર ચેતનભાઇની ઓફિસે બેઠો હતો ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને બેભાન થઇ ગયો હતો.
રાહુલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી અને ધોરણસરની કાર્યવાહી
કરી હતી. આ ઉપરાંત રૈયાધારમાં રહેતા જશીબેન ભૂપતભાઇ બાવળિયા (ઉ.વ.38) સવારે પોતાના ઘરે હતા તેમણે તેમના પતિને માથું દુખતું હોવાની વાત કરી હતી અને થોડી જ પળમાં બેભાન થઇ ઢળી પડ્યા હતા. જશીબેનને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જશીબેનના પતિ મજૂરી કામ કરે છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હાર્ટએટેકથી જશીબેનનું મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું તેમજ કાલાવડ રોડ પર રાણીટાવરની પાછળ યોગીપાર્કમાં રહેતા કારખાનેદાર વિનોદભાઇ રામજીભાઇ ભૂત (ઉ.વ.52) રવિવારે બપોરે પોતાના ઘરે જમીને રૂમમાં ગયા હતા અને ત્યાં અચાનકજ ઢળી પડતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.