યાર્ડમાં વાહનની એન્ટ્રીથી લઈ હરાજી સહિતની તમામ માહિતી ખેડૂતને મેસેજ થશે
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર જ નહીં, ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલનું માર્કેટ યાર્ડ હવે દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ બન્યું છે. ડિજિટલ એપનું લોન્ચિંગ યુવા અગ્રણી દ્વારા કરવામાં આવ્યું હતું. હવેથી અહીં આવતા ખેડૂતોને યાર્ડમાં વાહનની એન્ટ્રીથી માંડીને હરાજી સહિતની તમામ ડિજિટલ માહિતી મોબાઇલ ફોન થકી જ મળી રહેશે. ખેડુતલક્ષી અનેક સુવિધાઓને લઈને અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડમાં આધુનિક શેડ,રોડ રસ્તા,અદ્યતન ભોજનાલય, ગેસ્ટ હાઉસ, કોર્પોરેટ ઓફીસ સંકુલ સહીત ખેડૂતોને મળતી સુવિધાઓમાં હવે માર્કેટ યાર્ડ પેપરલેસ બન્યુ છે. યાર્ડનાં ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું કે ખેડુત પોતાની જણસી લઈ માર્કેટ યાર્ડનાં ગેઇટ માં પ્રવેશે ત્યાંથી લઈ કયાં શેડમાં તેનો માલ ઉતારાયો છે અને હરરાજીમાં કેટલા વજન સાથે કેવો ભાવ મળ્યો છે. તે તમામ માહિતી મોબાઇલમાં મેસેજ દ્વારા મળી જશે. કાગળની પાવતીઓની પ્રથા બંધ થતા મહિને વીસથી પચ્ચીસ લાખની કિંમતનાં પેપરનાં ખર્ચનો બચાવ થશે. યાર્ડની તમામ વ્યવસ્થા વ્યવહાર હવે ડિજિટલ બન્યા છે.
માર્કેટ યાર્ડ ભવન ખાતે ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા,વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનોની હાજરી વચ્ચે ધારાસભ્યનાં પ્રતિનિધિ અને યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજાએ એપને કાર્યરત કરી હતી. સતત પ્રગતિશીલ ગણાતા યાર્ડે પ્રગતીનું વધુ એક સોપાન સર કર્યુ છે.