એક ગુરુ અને શિષ્ય રસ્તા પર ચાલતા જતા હતા. રસ્તાની બંને બાજુએ જાહેરાતોના મોટા-મોટા હોર્ડિંગ્સ લાગેલા હતા. શિષ્યે કહ્યું, “ગુરુજી, દુનિયા કેવી ખરાબ થઈ ગઈ છે! જુઓને કેવી કેવી જાહેરાતો જોવા મળે છે?” ગુરુએ કહ્યું, “જગત તો તમને બધું બતાવશે, પણ શું જોવું અને શું ન જોવું એ તમારે નક્કી કરવાનું છે. અને જે જુઓ છો તેમાંથી પણ સારો અર્થ તારવવો એ આપણી ઉપર નિર્ભર છે.” શિષ્યને થયું કે ગુરુદેવને આજે દલીલમાં હરાવવા છે. એણે એક જાહેરાતનું બોર્ડ બતાવ્યું. જેના ઉપર લખેલું હતું :
‘less bags, more journey.‘
- Advertisement -
પછી શિષ્યે ગુરુદેવને પૂછ્યું, “ગુરુજી, તમે જ કહો આમાં શું સારું શીખવા જેવું છે?” ગુરુજી સ્મિત કરીને બોલ્યા, “જિંદગી જીવવાની સાચી કુંજી આ એક જ વાક્યમાં આપી દીધી છે. આ વાક્ય પ્રવાસ માટે તો સાચું છે જ પરંતુ જિંદગીના પ્રવાસ માટે વધારે સાચું છે. જેટલો સામાન ઓછો હશે એટલો વધારે સારો અને વધારે લાંબો પ્રવાસ તમે ખેડી શકશો. જિંદગીના પ્રવાસમાં સામાન એટલે તમારી સૂટકેસ કે હેન્ડ બેગ્સ નહીં પરંતુ તમારી સાંસારિક ઉપાધિઓ, ઝંઝાળો અને ઈચ્છાઓ. આવો સામાન જેટલો ઓછો રાખશો એટલો પ્રવાસ સુખેથી કરી શકશો.” આપણે પણ આપણી જિંદગીના પ્રવાસમાં શક્ય એટલો ઓછો સામાન રાખીએ.



