વિસાવદરના રતાંગની શેરીઓમાં સિંહનું મારણ, પશુના મારણ બાદ બાળકીનો પીછો કરતા ફફડાટ, ચમત્કારિક બચાવ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
- Advertisement -
ગીર જંગલની બોર્ડર પર આવેલા વિસાવદર તાલુકાના રતાંગ ગીર ગામમાં ગત રાત્રે સિંહનો પ્રવેશ થતા ભારે કુતૂહલ અને સાથે ફફડાટ જોવા મળ્યો હતો. ગીર વિસ્તારના ગામડાઓમાં અવારનવાર સિંહો પશુઓના શિકારની શોધમાં આવી ચડતા હોય છે, પરંતુ આ વખતે એક બાળકીનો ચમત્કારિક બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી.
બનાવની વિગત મુજબ, રાત્રિના સમયે એક ડાલામથ્થો સિંહ ગામની શેરીમાં આવી ચડ્યો હતો અને પશુનું મારણ કર્યું હતું. સિંહને નજીકથી જોવા માટે ગ્રામજનો અને બાળકો ઘરની બહાર નીકળ્યા હતા. સિંહ જ્યારે પશુનું ભક્ષણ કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેનો ગુસ્સો કાબૂ બહાર જતા તેણે શેરીમાં દોટ મૂકી હતી. આ દરમિયાન સિંહની સામે એક નાની બાળકી આવી જતા તે જીવ બચાવવા ભાગી છૂટી હતી. સિંહે પણ બાળકી પાછળ દોટ મૂકી હતી, જોકે સદનસીબે તે કોઈને નુકસાન પહોંચાડ્યા વિના બીજી શેરીમાં જતો રહ્યો હતો. ગીરના ગ્રામજનો સિંહને ડર વગર નિહાળવા ટેવાયેલા હોય છે અને સિંહ પણ ભાગ્યે જ માનવી પર હુમલો કરે છે, તેમ છતાં આ કિસ્સાએ ગ્રામજનોને સતર્ક કરી દીધા છે. સિંહના આ પ્રકારના પ્રવેશ સમયે બાળકોની સુરક્ષા અને સાવચેતી રાખવી અત્યંત અનિવાર્ય છે. સદનસીબે આ કિસ્સામાં કોઈ જાનહાની થઈ ન
હતી.



