ગીરગઢડાના નાંદરખમાં સિંહના લટાર મારતા દૃશ્યો ઈઈઝટમાં કેદ થયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
ઉના અને ગીર ગઢડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોની અવરજવર હવે સામાન્ય બની રહી છે, ત્યારે ગીર ગઢડા ના નાંદરખ ગામમાં ગત વહેલી સવારે સિંહ પરિવારે દેખા દીધી હતી. એક નર સિંહ અને ત્રણ સિંહણના ટોળાએ ગામની બજારમાં લટાર મારી બે ગાયોનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
આ ઘટના ગઈ કાલે 22 તારીખે વહેલી સવારે 04:50 વાગ્યે બની હતી. ગામમાં આવેલી ’રુદ્રેશ્વર એગ્રો’ નામની દુકાનના સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, સૌપ્રથમ એક સિંહણ મુખ્ય રોડ પરથી પસાર થાય છે. ત્યારબાદ અન્ય એક ગલીમાંથી બે સિંહણ અને એક નર સિંહ ત્યાં આવી પહોંચે છે. ચારેય વન્યજીવો થોડીવાર ગામના રસ્તાઓ પર લટાર મારે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, અચાનક સિંહ પરિવાર બે ગાયોનો પીછો કરે છે અને થોડે દૂર જઈ તેમનું મારણ કરે છે. શિકાર કર્યા બાદ સિંહ પરિવાર મારણને અધૂરું મૂકીને સીમ વિસ્તાર તરફ રવાના થઈ ગયો હતો. વહેલી સવારે જ્યારે લોકોની અવરજવર શરૂ થતી હોય છે, તેવા સમયે સિંહોના ધામાથી ગ્રામજનોમાં ભારે ફાળ પડી છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ નાંદરખ દોડી આવી હતી અને સિંહોનું લોકેશન મેળવવા માટે ટ્રેકિંગની કામગીરી હાથ ધરી હતી. ગામમાં વારંવાર સિંહોના પ્રવેશને પગલે સ્થાનિકોમાં રોષ અને ભય જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે જેમ પોલીસ રાત્રિ પેટ્રોલિંગ કરે છે, તેમ વન વિભાગે પણ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું જોઈએ.



