પોતાના જ કર્મચારીઓ અને બે-બે આવાસ પચાવી પાડનારાઓ સામે હજુ પણ મનપાના સત્તાધીશો મૌન
‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ જનરલ બોર્ડમાં પ્રથમ ક્રમે આવાસનો મુદ્દો આવતાં તંત્ર દોડતું થયું
- Advertisement -
રાજકોટની વિવિધ આવાસ યોજનાઓમાં ચાલતી ગેરરીતિઓ અંગે ‘ખાસ-ખબર’માં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. આગામી જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે જ આવાસ યોજના અંગેના બબ્બે સવાલ પૂછાવવાના હોવાથી સભામાં સંતોષકારક જવાબ રજૂ કરવા ખાતર તંત્રએ ઉતાવળે તપાસનો દેખાવ શરૂ કર્યો હોય એવું લાગી રહ્યું છે. આ કવાયતના ભાગરૂપે મનપાની ટીમે વિનોબા ભાવે ટાઉનશીપ ભગવતીપરામાં ૪, મહારાણા પ્રતાપ ટાઉનશીપ રેલનગરમાં ૧ અને જીજાબાઈ ટાઉનશીપ રૈયાધારમાં ૧ મળી કુલ ૬ ફ્લેટમાં મૂળ લાભાર્થીને બદલે ભાડુઆત રહેતા હોવાનું સામે આવતાં તાત્કાલિક અસરથી તમામ ફ્લેટ સીલ કરી દીધા હતા. જોકે, તંત્રની આ કામગીરી માત્ર દેખાવ પૂરતી અને આવાસ કૌભાંડનો ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ખુદ મનપાના કર્મચારીઓએ જ વિવિધ આવાસ યોજનાઓમાં ફ્લેટ મેળવી વેચી નાખ્યા કે ભાડે ચઢાવી દીધા હોવાના પુરાવા સાથે આક્ષેપો થયા હોવા છતાં હજુ સુધી કોઈ ખાસ પગલાં લેવાયા નથી. આ ઉપરાંત ખોટા સોગંદનામા રજૂ કરી બે-બે આવાસ પચાવી પાડનારા તત્ત્વો સામે પણ આજદિન સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવતાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. આ અંગે મનપાના સત્તાધીશો અને પદાધિકારીઓએ કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ અને ભૂતકાળમાં થયેલા અન્ય કૌભાંડની જેમ તપાસનું નાટક ન ચલાવે તેવી માંગ થઈ રહી છે.
છેલ્લાં ૫ વર્ષમાં મનપા કર્મચારીઓને ફાળવેલા આવાસના આંકડા જાહેર કરો
વિવિધ આવાસ યોજનાઓમાં ગેરરીતિની પોલ ખૂલી રહી છે ત્યારે પારદર્શિતા લાવવા માટે મનપા તંત્ર સામે લોકમાગ પ્રબળ બની છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મનપાના કયા-કયા કર્મચારીઓએ કઈ આવાસ યોજનામાં ફ્લેટ મેળવ્યા છે તેની સત્તાવાર યાદી અને ચોક્કસ આંકડા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવે તેવી માગણી ઊઠી રહી છે. જો મનપા વહીવટી તંત્ર ખરેખર નિષ્પક્ષ હોય તો છેલ્લા પાંચ વર્ષમાં કર્મચારીઓને થયેલી આવાસ ફાળવણી અંગે વિગતવાર શ્વેતપત્ર બહાર પાડે જેથી ખબર પડે કે સરકારી નીતિ-નિયમો અને વાર્ષિક આવકની મર્યાદાનું પાલન થયું હતું કે પછી લાગવગ અને ખોટા સોગંદનામાના જોરે આવાસની લ્હાણી કરવામાં આવી છે. માત્ર છૂટાછવાયા ભાડુઆતોવાળા મકાનો સીલ કરીને સંતોષ માનવાને બદલે મનપાએ છેલ્લા પાંચ વર્ષની ફાળવણીની તટસ્થ ઓડિટ તપાસ કરાવી જવાબદાર કર્મચારીઓ સામે દાખલારૂપ પગલાં ભરે તે સમયની માગ છે.
પ્રાઈમ લોકેશનમાં આવેલી મંગલપાડે, સુખદેવસિંહ અને શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનશિપમાં મનપા કર્મચારીઓના આવાસ
ગરીબો અને જરૂરિયાતમંદ પરિવારોને છત આપવાના ઉમદા આશયથી બનાવાયેલી આવાસ યોજનાઓમાં ખુદ મનપાના જ કર્મચારીઓએ પોતાના પગપેસારો કરી લીધો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. શહેરના પ્રાઈમ લોકેશનમાં આવેલી મંગલપાંડે ટાઉનશિપ, સુખદેવસિંહ ટાઉનશિપ અને શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનશિપ જેવી યોજનાઓમાં અનેક ફ્લેટ મનપાના કર્મચારીઓના નામે હોવાનું બહાર આવ્યું છે. સરકારી નિયમો અને માપદંડોને નેવે મૂકીને મનપાના બાબુઓએ લાગવગ કે ખોટા સોગંદનામાના જોરે આ આવાસો પોતાના નામે મંજૂર કરાવી લીધા હોવાની ચર્ચા છે. આટલું જ નહીં, આવાસો મેળવ્યા બાદ ખુદ રહેવાને બદલે તેને ઊંચા ભાડે ચઢાવી દીધા હોવાના કે નફો કમાઈને વેચી માર્યા હોવાના પણ ગંભીર આક્ષેપ પણ થઈ રહ્યા છે. સામાન્ય નાગરિકો વર્ષો સુધી આવાસ માટે રાહ જોતા રહે છે ત્યારે અહીં તો ‘વાડ જ ચીભડાં ગળે’ તેવો ઘાટ સર્જાયો છે.
- Advertisement -
જો તપાસ સમિતિ રચાશે તો પણ કોઈનો વાળ વાંકો નહીં થાય!
વિવિધ આવાસ યોજનાઓમાં ખુદ મનપાના કર્મચારીઓએ આચરેલી ગેરરીતિઓનો ભાંડો ફૂટ્યા બાદ હવે જો આ મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવે તો પણ પરિણામ શૂન્ય જ આવવાની પૂરી શક્યતા છે. ભૂતકાળના અનુભવો સાક્ષી પૂરે છે કે મનપામાં જ્યારે પણ કોઈ મોટો ભ્રષ્ટચાર કે ગેરરીતિ પકડાય છે ત્યારે મામલો થાળે પાડવા અને જનતાનો રોષ શાંત કરવા માટે તપાસ કમિટી રચવાનો ચીલાચાલુ રસ્તો અપનાવવામાં આવે છે. આવા કિસ્સાઓમાં તપાસ સમિતિ માત્ર આંખમાં ધૂળ નાખવાનો તાયફો સાબિત થતી હોય છે. મનપાના જ ઉચ્ચ અધિકારીઓ પોતાના સાથી કર્મચારીઓ વિરુદ્ધ તપાસ કરે ત્યારે ‘કાગડો કાગડાનું માંસ ન ખાય’ એ કહેવત ચરિતાર્થ થતી જોવા મળે છે. ટેબલ નીચેથી થતી સાઠગાંઠ અને આંતરિક ભાઈબંધીના કારણે રિપોર્ટ મહિનાઓ સુધી પેન્ડિંગ રખાય છે અથવા તો ફાઈલો કચેરીના ધૂળ ખાતા કબાટોમાં ધરબાઈ જાય છે. અંતે સામાન્ય ક્લાર્ક કે પટાવાળા જેવા નાના કર્મચારીઓ સામે નામપૂરતી કારણદર્શક નોટિસ આપી સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દેવાશે. ખોટા સોગંદનામા રજૂ કરનારા કે લાગવગથી બે-બે આવાસ પચાવી પાડી ભાડે ચડાવનારા મનપાના વગદાર બાબુઓનો વાળ પણ વાંકો નહીં થાય કારણ કે ભ્રષ્ટાચારના તાર છેક ઉપર સુધી જોડાયેલા હોવાની ચર્ચા ખુદ પાલિકાના વર્તુળોમાં ચાલી રહી છે.




