લોનધારકો માટે માઠા સમાચાર
RBI ક્રેડિટ પોલિસીમાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરે તેવી શક્યતા
- Advertisement -
આવનારા દિવસોમાં લોન મોંઘી થઇ શકે છે. આરબીઆઇ (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા) પોતાની ક્રેડીટ પોલિસી બેઠકમાં રેપોરેટ ૦.૨૫ ટકા વધારી શકે છે. એસબીઆઇ (સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા)એ પોતાના રિપોર્ટમાં ઓક્ટોબર બાદ ડિસેમ્બરમાં પણ ૦.૨૫ ટકા વધારવાની વકીલાત કરી છે. રેપોરેટ વધવાથી ફ્લોટીંગ રેટવાળી લોનની ઇએમઆઇ (હપ્તા) વધી શકે છે, જ્યારે એફડી પર વ્યાજ દર વધવાની આશાથી રોકાણકારોને ફાયદો મળી શકે છે.
આગામી દિવસોમાં હોમ લોન અને કાર લોન મોંઘા થઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ પોતાની રિસર્ચમાં દાવો કર્યો છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટ વધારી શકે છે. રિપોર્ટ અનુસાર, આરબીઆઈ ઓક્ટોબરની ક્રેડિટ પોલિસીમાં રેપો રેટ ૦.૨૫% વધારી શકે છે. જે પછી ડિસેમ્બરમાં પણ આટલો જ વધારો થઈ શકે છે. એટલે કે, ૦.૫૦% સુધી રેપો રેટ વધી શકે છે. જો તમે ૨૦ વર્ષ માટે ૫૦ લાખ રૂપિયાની
લોન લીધી હોય તો હાલનાં ૮.૨૫%નાં વ્યાજદર અનુસાર તમાં EMI ૪૨,૬૦૩ રૂપિયા જેટલો હોઈ શકે છે. જ્યારે ૦.૨૫% રેપો રેટ વધીને વ્યાજદર ૮.૫૦% થાય તો EMI વધીને ૪૩,૩૯૧ રૂપિયા થશે એટલે કે, વાર્ષિક ૯,૪૫૬ રૂપિયાનો વધારાનો વાર્ષિક બોજો આવશે. રેપો રેટ ૦.૫૦% વધે અને વ્યાજદર ૮.૭૫% થાય તો EMI વધીને ૪૪,૧૮૬ રૂપિયા થશે, એટલે કે, વાર્ષિક ૧૮,૯૯૬ રૂપિયાનું આર્થિક ભારણ આવી શકે છે. આરબીઆઈનાં રેપો રેટમાં વધારા કરવાની અસર લેણદારો અને બેંક એફડી કરનાર પર પડતો હોય છે.
ફ્લોટિંગ રેટ પર લોન લેનારાઓ પર તેની અસર થતી હોય છે, રેપો રેટ વધે એટલે તેમની EMIમાં પણ વધારો થતો હોય છે. આ ઉપરાંત નવા ગ્રાહકો માટે હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન માટેનો વ્યાજદર વધી જતો હોય છે. ફિક્સ્ડ રેટની લોન લેનારને તેની અસર થતી નથી. જોકે, એફડી કરાવનાર કે બેંક સેવિંગ કરનાર લોકોને ફાયદો થતો હોય છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધનાં કારણે ૧૫ દિવસમાં ક્રૂડ ઓઈલની કિંમતો ૧૦૦ ડોલરને પાર કરી ગઈ છે અને તે ૧૦૫-૧૨૩ સુધી જઈ શકે છે. કનઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં ૯૦ ટકા ભાગ ધરાવતી જરૂરી સામાનની સંખ્યા જાન્યુઆરી ૨૦૨૬માં ૨૨ હતી, જે જુલાઈમાં ૫૩ થઈ ગઈ.




