500 જેટલા પંડાલો અને 10 હજાર શેરી-ઘરોમાં ગણપતિ દાદાની સ્થાપના
અવનવી થીમ સાથે ભવ્ય આયોજન, વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાશે
- Advertisement -
રાજકોટ શહેરમાં આજથી દૂંદાળા દેવ ગણપતિ મહોત્સવનો ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. શહેરના નાના-મોટા પંડાલો તેમજ ઘર આંગણે વાજતે-ગાજતે ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.
ગણપતિ સ્થાપના બાદ ભક્તોએ ભાવપૂર્વક ગજાનન દેવના સ્તુતિગાન કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. રાજકોટ શહેરમાં આશરે નાના-મોટા 500 જેટલા જાહેર પંડાલો તેમજ અંદાજે 10 હજાર જેટલા
શેરી-ઘરોમાં ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા આકર્ષક સજાવટ સાથે અવનવી અને અનોખી થીમ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે ગણપતિ
મહોત્સવને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
દસ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવ દરમિયાન વિવિધ ગણેશ મંડળો દ્વારા રોજિંદા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઆરતી, કથા, ભજન-કીર્તન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભક્તો
માટે વિશેષ આયોજન કરવામાં આવશે. ઉપરાંત, અનેક સ્થળોએ રોજ હજારો કિલો પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવશે. ગણપતિ મહોત્સવના પ્રારંભ સાથે જ રાજકોટ શહેરમાં ભક્તિ અને ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું છે.
આગામી દસ દિવસ દરમિયાન વિવિધ મંડળોની આકર્ષક થીમ, સજાવટ અને ધાર્મિક કાર્યક્રમો લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.




