એરક્રાફ્ટના સ્પેરપાર્ટસનું મેન્યુફેકચરિંગ યુનિટ પણ બનશે : એવિએશન પાર્કમાં મ્યુઝિયમ, એરસ્ટ્રીપ, ટ્રેનિંગ સ્કૂલ, હેલીપેડની સુવિધા હશે.
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ખાતે દેશનો સૌપ્રથમ એવિએશન પાર્ક બનાવવા માટેનું આયોજન હવે અંતિમ તબક્કામાં છે. આ એવિએશન પાર્કમાં મ્યુઝિયમ, એરસ્ટ્રિપ, ટ્રેનિંગ સ્કૂલ અને હેલિપેડ જેવી સુવિધાઓ હશે. વિશ્ર્વમાં પણ જૂજ એવા દેશો છે જ્યાં એવિએશન પાર્ક જેવી સુવિધા છે. દેશનું સૌપ્રથમ એવિએશન પાર્ક ગુજરાતમાં બનાવવા માટેની વિચારણા છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે. અગાઉ આ એવિએશન પાર્ક બગોદરા પાસે બનાવવા માટેની શક્યતા હતી. પરંતુ હવે રાજકોટ ખાતે જ આ એવિએશન પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિ.(ગુજસેઈલ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું કે, કોરોના મહામારીને કારણે એવિએશન પાર્ક બનાવવાની ગતિમાં ઘટાડો થયો છે. પરંતુ હવે ટૂંક સમયમાં એવિએશન પાર્કના આયોજન અંગેની પ્રક્રિયા શરૂ કરાશે.
એરોસ્પેસ ટ્રેનિંગ, રીસર્ચ, મેન્યુફેક્ચરિંગ માટે આ એવિએશન પાર્ક વન સ્ટોપ ડેસ્ટિનેશન સમાન પુરવાર થઇ શકે છે. આગામી સમયમાં ગુજરાતમાં વધુ ફ્લાઇંગ સ્કૂલ શરૂ કરવા પણ વિચારણા કરી રહ્યા છીએ.


