ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, કલેક્ટર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વન્ય પ્રાણી-પક્ષી બચાવો તથા વૃક્ષારોપણ અભિયાન ચલાવતી સંસ્થાઓનું સન્માન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જિલ્લા કક્ષાના 75 મા વન મહોત્સવની ઉજવણી શહેરની ડો. વી.આર. ગોઢાણિયા કોલેજ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લામાં વન્ય પ્રાણીઓ-પક્ષી બચાવો તેમજ વૃક્ષારોપણ અભિયાન ચલાવતી સંસ્થાઓ સહિત પ્રકૃતિપ્રેમીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના મહાન સપૂત અને દીર્ઘદ્રષ્ટા એવા દેશના પ્રથમ વનમંત્રી કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની પરંપરાની આ શ્રેણીનો પ્રારંભ કરાવ્યો હતો. વૃક્ષોના મહાપર્વ એવા વન મહોત્સવની અગત્યતા અને ઉપયોગિતા આજે આપણને સમજાઈ રહી છે, ત્યારે પોરબંદર જિલ્લા કક્ષાના 75 મા વન મહોત્સવની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
તેઓએ જણાવ્યું હતું કે, વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને આપણી જીવસૃષ્ટિમાં વૃક્ષોનું અનેરૂં મહત્વ છે. ઉપરાંત ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણે બધાને વન મહોત્સવથી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ભાવનાથી જોડવાનો પ્રયાસ કરે છે. જેમાં પર્યાવરણના જતનની ઉમદા ભાવના જોડાયેલી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ વૃક્ષારોપણ નું મોટું કાર્ય થઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ પર્યાવરણ અને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે મહાનુભાવોને પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને પ્રિય બિલીપત્રના છોડથી આવકારવામાં આવ્યા હતા. વન મહોત્સવની ઉજવણી પ્રસંગે ‘એક પેડ માં કે નામ’ ગીતની અદભુત પ્રસ્તુતિ કરાઈ હતી ત્યારબાદ પોરબંદર જિલ્લામાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ બચાવતી સંસ્થાઓ તેમજ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરતી સંસ્થાઓ સહિત પ્રકૃતિ પ્રેમીઓને પ્રમાણપત્ર એનાયત કરી, વિશેષ સન્માન કરી, તેઓની પર્યાવરણલક્ષી પ્રવૃતિઓને બિરદાવવામાં આવી હતી. સમગ્ર ગુજરાતના પ્રજાજનોના સહકારથી સહુ સાથે મળી ધરતીને વૃક્ષો વાવી, હરીયાળી બનાવવા માટે ઉજવાઈ રહેલા આ વન મહોત્સવ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.