કુંભમેળાના ક્ષેત્રમાં સેંકડો યજ્ઞશાળાઓમાં વિશ્વ અને જનકલ્યાણની આહુતિઓ પડશે
કુંભમેળા ક્ષેત્રમાં વિવિધ શિબિરમાં સેંકડો યજ્ઞશાળાઓ : શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદની 9 માળની સૌથી મોટી યજ્ઞશાળા : મહાકુંભમાં ગૌરક્ષા નિમિતે યજ્ઞશાળામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા આહુતિઓ અપાશે : સેનાના શહીદોને પણ આહુતિ અપાશે
- Advertisement -
મહાકુંભના પ્રથમ સ્નાન પર્વ 13 જાન્યુઆરી પહેલા પુરા સંગમ ક્ષેત્ર વેદની ઋચાઓ મંત્રો અને પ્રવચનથી ગુંજીત થવા લાગ્યા છે. પ્રથમ સ્નાન પર્વ બાદ મેળા ક્ષેત્રોમાં બની રહેલી વિશાળ યજ્ઞ શાળાઓમાં આહુતીઓ પડવી શરૂ થઈ જશે. ચાર હજાર હેકટરમાં વસેલા મેળા ક્ષેત્રમાં સેંકડો યજ્ઞશાળાઓમાં વિશ્વ અને જન કલ્યાણ સહિત વિભિન્ન વિષયો પર સેંકડો આહુતિઓ પડશે.યજ્ઞનો સુગંધિત ધુમાડો પર્યાવરણમાં ફેલાયેલા વિષાણૂઓને નષ્ટ કરી દેશે.
બડે હનુમાન મંદિરથી પહેલા પીપા પુલ પાર કરતાં જ શંકરાચાર્ય સ્વામી અવિકતેશ્વરાનંદની શિબિરમાં મેળાની સૌથી મોટી શિબીર બની રહી છે. 9 માળની યજ્ઞશાળા જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત છે. તુલસી પીઠાધિશ્વર જગદગુરૂ રામભદ્રાચાર્યની શિબીરમાં બની રહેલી 251 કુંડીય મેળાની યજ્ઞશાળા પણ લગભગ તૈયાર છે.
ગૌરક્ષા માટે નિમિત મહાકુંભ ક્ષેત્રમાં સૌથી મોટી યજ્ઞશાળા
શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદની શિબીરમાં મેળાની સૌથી મોટી 324 કુંડીય યજ્ઞશાળા બનાવાઈ છે. ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજજો આપવા અને ગૌમાતાની હત્યા પર પ્રતિબંધ લગાવવા નિમિતે તા.15 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી આહુતિઓ આપવામાં આવશે.
- Advertisement -
સેનાના શહીદોને આહુતિથી અપાશે શ્રધ્ધાંજલી:
મેલા ક્ષેત્રમાં સેકટર 18 હરિશ્ચદ્ર માર્ગ પર મહાકુંભ મેળામાં પહેલીવાર સેનાના શહીદોને યજ્ઞથી શ્રધ્ધાંજલી આપવામાં આવશે. શિબીરમાં 108 હવન કુંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 14 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી આહુતિ અપાશે.
33 કુંડીય યજ્ઞશાળા
સેકટર 19 સ્થિત શંકરદેવ ચૈતન્ય બ્રહ્મચારીની શિબીરમાં 33 કુંડીય સુંદર યજ્ઞશાળા બનાવવામાં આવી છે. તેમાં વિશ્વ અને જન કલ્યાણની કામના સાથે 22 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી આહુતિઓ આપવામાં આવશે. 251 આચાર્ય સવારે 7 વાગ્યાથી સાંજ સુધી હવન-પૂજન કરશે.
કે.બેનર્જી સેન્ટરનાં વિભાગ અધ્યક્ષ પ્રો.શૈલેન્દ્રરાયે જણાવ્યું હતું કે, યજ્ઞનો સુગંધીત ધુમાડો પર્યાવરણમાં ફેલાયેલા વિષાણુઓને નષ્ટ કરી દે છે.યજ્ઞમાં ઉપયોગમાં લેવાયેલ પદાર્થો ખાસ કરીને ગાયના ઘીને અગ્નિમાં નાખવાથી તેમાંથી નિકળતો ધૂમાડો આણ્વિક વિકિરણોની અસરને ઘટાડી દેશે.
પીઓકેની મુક્તિ માટે પણ યજ્ઞમાં આહુતિઓ અપાશે
સેકટર 6 (નાગવાસુકી મંદિર પાસે) તુલસી પીઠાધિશ્વર જગતગુરુ રામભદ્રાચાર્યની શિબિરમાં પાક. અધિકૃત કાશ્મીર (પીઓકે)ને મુક્ત કરાવવા માટે વિશાળ યજ્ઞનું આયોજન કરાશે. મકરસંક્રાંતિથી 13 ફેબ્રુઆરી સુધી થનાર યજ્ઞમાં 300 આચાર્યો આ આહુતિઓ આપશે.