ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટમાં રોહિત શર્મા નથી રમી રહ્યો. રોહિત પ્લેઇંગ-11માં નથી, ત્યારે અનેક સવાલો ઊભા થયા હતા. રોહિતે શનિવારે બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું હતું કે ‘મેં નિવૃત્તિ લીધી નથી.’
રોહિતે કહ્યું, ‘સિડની ટેસ્ટમાં ખરાબ ફોર્મને કારણે તેણે પોતાને પડતો મૂક્યો હતો. આ નિર્ણય લેવો મુશ્કેલ હતો, પરંતુ ટીમના હિતમાં લીધો હતો. ટીમમાં કોણ રહેવું કે નહીં એ અમારો નિર્ણય છે, બીજું કોઈ નક્કી કરી શકતું નથી.’
6 મહિના કે 4 મહિનાના સમયમાં શું થશે તેમાં મને વિશ્ર્વાસ નથી, હું હંમેશા વર્તમાનમાં જ રહું છું અને અત્યારે શું કરવાની જરૂર છે તે વિશે વિચારું છું. હું રિટાયરમેન્ટ લેવાનો નથી. હું ક્યાંય જવાનો નથી. હું આ ગેમમાંથી બહાર છું કારણ કે હું ફોર્મમાં નહોતો. જીવનમાં દરરોજ કંઈ બદલાય છે અને મને સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે વસ્તુઓ બદલાશે. હું સમજુ, પરિપક્વ અને 2 બાળકોનો પિતા છું, તેથી મને ખબર છે કે ક્યારે શું કરવું. તમારે એ સમજવાની જરૂર છે કે ટીમને શું જોઈએ છે, જો તમે ટીમ વિશે વિચારતા નથી, તો તમને તે પ્રકારના ખેલાડીઓ નથી જોઈતા. અમે તેને ટીમ કહીએ છીએ, તેથી ટીમને શું જોઈએ છે તે વિશે હંમેશા વિચારો. આ મારી અંગત વિચારસરણી છે અને આ રીતે હું મારું ક્રિકેટ રમું છું અને આ રીતે હું આજે ક્રિકેટની બહાર પણ છું. હું એક વ્યક્તિ તરીકે ખૂબ જ પારદર્શક છું. હું જેવો છું તેવો છું, હું બીજા કોઈની ખાતરી આપી શકતો નથી. જો કોઈ મને પસંદ ન કરે તો મને વાંધો નથી.