ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.7
પોરબંદરના મધ્યમાં આવેલ રાજાશાહી સમયના જૂની કોર્ટ બિલ્ડિંગનું રીનોવેશન નહી થાય અને હવે તે પુરાતત્વ વિભાગને સોંપાય તેવી તજવીજ શરૂ થઈ છે. આ બિલ્ડિંગની જર્જરિત સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પહેલા રીનોવેશન માટે સર્વે હાથ ધરાયો હતો અને 60 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ પણ હતી. આ જૂની કોર્ટ બિલ્ડિંગ ઘણા સમય પહેલા પોરબંદરની વિવિધ સરકારી કચેરીઓ માટે પ્રવૃત્ત હતું. છેલ્લા થોડા વર્ષોથી બિલ્ડિંગ ખાલી પડ્યું છે, અને જાળવણીના અભાવે બિલ્ડિંગ ઘણી જગ્યાએ થી તૂટી અને ધરાશય પણ થયું છે. ચોમાસા દરમ્યાન આ બિલ્ડિંગના અમુક ભાગો ખરડાઈ જવાના બનાવો પણ નોંધાયા હતા. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બિલ્ડિંગના રીનોવેશન માટે કરાયેલા સર્વે બાદ 60 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટના આધારે રીનોવેશનની કામગીરી હાથ ધરાવાની અપેક્ષા હતી, પરંતુ હવે આ બિલ્ડિંગને પુરાતત્વ વિભાગને સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. પોરબંદરમાં અનેક રાજાશાહી બિલ્ડિંગો પુરાતત્વ વિભાગના હસ્તક છે, પરંતુ તેની જાળવણીની સ્થિતિ ખૂબ નબળી છે. હજૂર પેલેસ, સ્ટેટ લાઈબ્રેરી અને અન્ય ઈમારતો લાંબા સમયથી ધૂળ ખાઈ રહી છે. શહેરીજનોમાં એવી ચર્ચા છે કે જો જૂની કોર્ટ બિલ્ડિંગને પણ પુરાતત્વ વિભાગને સોંપવામાં આવશે, તો તેનો રીનોવેશન પણ લાંબા સમય સુધી અટકી જશે.શહેરીજનોમાં એવી વ્યાપક શંકા છે કે બિલ્ડિંગને ભવિષ્યમાં વધુ નુકસાન ન થાય અને તેનું ઐતિહાસિક મહત્વ જળવાય, તે માટે રાજય સરકાર અને સ્થાનિક તંત્રએ નક્કર પગલાં લેવાની જરૂર છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જૂની કોર્ટ બિલ્ડિંગને પુરાતત્વ વિભાગને સોંપવાની પ્રોસેસ ટૂંક સમયમાં પૂર્ણ થશે. શહેરીજનો અને ઈતિહાસપ્રેમીઓમાં આશા છે કે પુરાતત્વ વિભાગ આ ઐતિહાસિક મિલકતના સંવર્ધન માટે તાત્કાલિક પગલાં લેશે અને પોરબંદરની ધરોહર જળવાઈ રહેશે.
પોરબંદરની જૂની કોર્ટ બિલ્ડિંગનું રિનોવેશન અટકી ગયું – હવે પુરાતત્વ વિભાગને સોંપાશે
