રાજકોટના તબીબની રિમાન્ડ દરમિયાન કબૂલાત: હોસ્પિટલમાં પૂર્વમાં ફરજ બજાવતી નેહા પોટાની પુત્રીની પણ કૌભાંડમાં સંડોવણી
CMDO અનિરુદ્ધ તિવારી સહિત અનેક જવાબદાર સરકારી અધિકારીઓના તપેલાં ચડે તેવી સ્થતિ
પોલીસ તટસ્થ તપાસ હાથ ધરે તો રાજ્યવ્યાપી બોગસ સર્ટિફિકેટ કૌભાંડ બહાર આવી શકે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.7
રાજકોટના તબીબની કબૂલાતે પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ચાલતા એક ગંભીર કૌભાંડ પર પ્રકાશ પાડ્યો છે. એક બોગસ ડેન્ટલ ટેકનિશિયન 10 મહિના સુધી પોરબંદર સિવિલમાં ફરજ બજાવતા હોય અને કોઈને શંકા ન આવે, એ માત્ર લાપરવાહીનું પરિણામ નથી – પણ એક મોટું પ્રશ્નચિહ્ન છે. ડેન્ટલ ટેકનિશિયન તરીકે 2024માં કરાર આધારે નિમણુક પામેલા દેવ કંદર્પભાઈ વૈદ્યના ડોક્યુમેન્ટ્સની શંકા જતા આરટીઆઈ એક્ટિવિસ્ટ રમેશભાઈ ઓડેદરાની ફરિયાદ બાદ કૌભાંડ સામે આવ્યું હતું. તપાસમાં દેવનું સર્ટિફિકેટ ખોટું હોવાની વાત સામે આવી. પરંતુ આટલું પૂરતું ન હતું. દેવની સાથે, તેની જ માસીની પુત્રી ધ્રુવી દર્શન પોટાએ પણ બોગસ સર્ટિફિકેટના આધારે 2018માં 10 મહિના માટે નોકરી કરી હતી. ધ્રુવી પોટા સિવિલમાં 10 મહિના સુધી કામ કરી અને આ સમયગાળા દરમિયાન કોઈ તપાસ થઈ નહીં. શા માટે નોકરી વખતે ડોક્યુમેન્ટ્સની પૂરી ચકાસણી નહીં કરવામાં આવી? શું આ પ્રકરણમાં માત્ર તબીબ અને યુવતી જ દોષિત છે, કે પછી હોસ્પિટલના એચઆર વિભાગ અને અધિકારીઓ પણ આ બેદરકારી માટે જવાબદાર છે? રાજકોટના હરસિદ્ધિ ડેન્ટલ ક્લિનિકના ડો. મિલાપ એચ. કારિયાએ રિમાન્ડ દરમિયાન સ્વીકાર્યું કે તેણે રૂ. 80,000માં બોગસ સર્ટિફિકેટ આપ્યું હતું. આ એક માત્ર એકલદોકલ કિસ્સો નથી. તબીબે કબૂલ્યું કે તેણે ધ્રુવી પોટાને પણ આવું જ સર્ટિફિકેટ બનાવ્યું આપ્યું હતું, અને તે પણ આ ફક્ત પોરબંદર સિવિલમાં નોકરી માટે. ધ્રુવી પોટા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતી સિનિયર ક્લાર્ક અને ઇન્ચાર્જ વહીવટી અધિકારી નેહા પોટાની પુત્રી થાય છે. ત્યારે નેહા પોટા થી માંડી અનેક સરકારી અધિકારીઓ/કર્મચારીઓ પણ શંકાના દાયરામાં છે. આ ઘટના માત્ર સરકારી તંત્રના શિથિલ પ્રણાલીના આઈનાની પાછળની ઝલક જ નથી, પણ સમાજ માટે ચેતવણી પણ છે. જો ડોકટરો અને ટેકનિશિયનો બોગસ સર્ટિફિકેટના આધારે નોકરી પર હોય, તો સામાન્ય લોકોના આરોગ્ય અને જીવન માટે મોટો ખતરો છે. હાલમાં ડો. મિલાપને જેલહવાલે કરવામાં આવ્યા છે અને ધ્રુવી સામે પણ કાયદેસરની કાર્યવાહી થવાની સંભાવના છે. પરંતુ હકીકત એ છે કે આ ચેઇનમાં હજી પણ અનેક કડીઓ રહી છે જે અનછાંટેલી છે ત્યારે કમલાબાગ પોલીસ મથકના પીઆઇ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો નાને થી લઇ મોટા અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી શકે તેમ છે.
- Advertisement -
સવાલો જેનો જવાબ આવશ્યક છે
હજી કેટલાં બોગસ ટેકનિશિયનો અને ડોકટરો સરકારી હોસ્પિટલમાં કામ કરી રહ્યાં છે?
આ પ્રકારની લાપરવાહી માટે જવાબદાર સરકારી તંત્ર સામે કોઈ કાર્યવાહી થશે?
શું સર્ટિફિકેટ ચકાસણીની એક સઘન પ્રણાલી હોસ્પિટલમાં લાવવામાં આવશે?
અગત્યનું: આ પ્રકરણ પોરબંદર સિવિલ હોસ્પિટલ માટે એક સતર્કતા છે. એક હોસ્પિટલ કે જે પ્રજાનો ભરોસો છે, ત્યાં ખોટા પ્રમાણપત્રના આધારે ફરજ બજાવનારાઓ માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. આ એક રેડ ફલેગ છે – હવે જો તંત્રજાગૃત ન થાય, તો આવાં કૌભાંડો ફરીથી ભવિષ્યમાં ઉદ્ભવી શકે.
- Advertisement -