ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી સિડની ટેસ્ટનો આજે (04 જાન્યુઆરી 2025) બીજો દિવસ છે. ભારતીય બોલરોએ તરખાટ મચાવતા ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 181 રન પર સમેટાઈ ગઈ છે.
ભારતને 4 રનની લીડ મળી
- Advertisement -
અગાઉ ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ ઈનિંગ 185 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ પણ 181 રનમાં સમેટાઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા તરફથી બ્યૂ વેબસ્ટરે પ્રથમ ઈનિંગમાં સૌથી વધુ 57 રનની ઇનિંગ રમી હતી. ભારતને પ્રથમ ઈનિંગના આધારે માત્ર 4 રનની નજીવી લીડ મળી હતી. હવે ભારતીય ટીમ તેની બીજી ઇનિંગમાં બેટિંગ કરશે.
ઓસ્ટ્રેલિયાએ 172 રનમાં બાકીની નવ વિકેટ ગુમાવી દીધી
આજે (04 જાન્યુઆરી 2025) ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટે નવ રનથી રમવાનું શરૂ કર્યું હતું અને 172 રનમાં બાકીની નવ વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહે માર્નસ લાબુશેનને વિકેટકીપર પંતના હાથે કેચ કરાવ્યો હતો. તે બે રન બનાવી શક્યો હતો. આ પછી સિરાજનો કહર જોવા મળ્યો હતો. તેણે ઇનિંગની 12મી ઓવરમાં સેમ કોન્સ્ટાસ અને ટ્રેવિસ હેડને આઉટ કર્યા હતા. કોન્ટાસ 23 રન અને હેડ ચાર રન બનાવી શક્યા હતા. આ પછી પ્રસિદ્ધ ક્રૃષ્નાએ સ્ટીવ સ્મિથને રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. જે 33 રન બનાવી શક્યો હતો. સ્મિથને આઉટ કર્યા બાદ પ્રસિદ્ધે એલેક્સ કેરીને ક્લીન બોલ્ડ કર્યો હતો. કેરી 21 રન બનાવી શક્યો હતો. આ દરમિયાન નવોદિત બ્યૂ વેબસ્ટરે ફિફ્ટી ફટકારી હતી. ત્યારબાદ નીતિશ રેડ્ડીનો તરખાટ જોવા મળ્યો હતો.
- Advertisement -
ભારતીય કેપ્ટન બુમરાહ ઈજાગ્રસ્ત
જસપ્રીત બુમરાહ હાલમાં આ મેચમાં મેદાનની બહાર છે. તે સ્કેન કરાવવા ગયા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહને ઈજા થઈ હતી. ભારતની પ્રથમ ઇનિંગમાં રિષભ પંતે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રોહિત શર્માએ આ મેચમાં નહીં રમવાનો નિર્ણય લીધો હતો.