સંબંધીઓ સહિત 10 લોકો છેતરપિંડીનો શિકાર બન્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
- Advertisement -
જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ સનસીટી 1 વિશ્વકર્મા સોસાયટીની સામે સ્વામદત્ત ઍપાર્ટમેન્ટ પાછળ હેતા 37 વર્ષીય જયેશભાઈ ચંદુલાલ વાઘેલાને આઠેક માસ પહેલા રાજકોટ રહેતા કૌટુંબિક માસા કેતનભાઈ વરુએ ટેલીફોનિક વાતચીતમાં પોસ્ટ ઓફિસ જૂનાગઢ ખાતે અધિકારી દિપકભાઈ મુગતરામ મારા જાણીતા છે અને તે તમને પોસ્ટ ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરીએ લગાડી દેશે અને ત્યારબાદ તે તેની લાગવગ દ્વારા કાયમી નોકરીમાં રખાવી દેશે તેના બદલામાં તેને રૂ. 40,000 આપવા પડશે.
જેથી યુવાન બેરોજગાર હોય અને નોકરી મળવાની લાલચ લાગતા ઝાંઝરડા રોડ પર આવેલ જનકપુરી સોસાયટીમાં રહેતા દીપકભાઈનો મોબાઈલ નંબર લીધો હતો અને તેનો સંપર્ક કરતા તેણે હું તને પોસ્ટ ઓફિસ ગાંધીગ્રામમાં પટાવાળા તરીકે નોકરી ઉપર લગાવી દઈશ’ તેમ કહી અમુક ડોક્યુમેન્ટ માંગ્યા હતા. ત્યારબાદ આ પ્રોસેસ કરવા એક માટે રૂપિયા આપવા જોઈશે તેમ કહેતા જયેશભાઈએ ગઈ તારીખ 8 જૂન 2024ના રોજ તેને રૂપિયા 2000નું ગુગલ પે કર્યું હતું. આ પછી રૂપિયા 500 કાર્યવાહી કરવા માટે 8200 તથા રૂપિયા 30,000 ગૂગલ પે કર્યા હતા. શખ્સે યુવકને તેની પત્નીને પણ નોકરીએ લગાડવી હોય તો તેના પણ કાગળ કરી નાખુ તેમ કહેતા પત્નીનાં પણ ડોક્યુમેન્ટ આપ્યા હતા અને તેની નોકરી માટે પહેલા રૂ. 7,586, 2500 ત્યારબાદ રૂપિયા 30,000 દીપક ભટ્ટને ગૂગલ પે મારફત મોકલ્યા હતા. આ પછી ઘરે આવતા શખ્સે યુવાનના પરિવાર સાથે ફેમિલી રિલેશન બનાવ્યા હતા અને યુવકના પિતાની પાંચમ હોય જેથી તેના ઘરે સગા સંબંધીઓ તથા મિત્રો આવ્યા હતા.
ત્યારે દિપકને જમવા માટે બોલાવ્યો હતો તેણે સગા વહાલા, મિત્રો સાથે પણ વાતો દ્વારા સંબંધ કેળવી પોતે પોસ્ટ વિભાગમાં નોકરી કરે છે તે રીતે ઓળખ આપી પોતે ઘણા માણસોને પોસ્ટમાં નોકરીએ લગાડેલ છે તેમ કહી કોઈને પોસ્ટમાં નોકરીમાં લાગવું હોય તો પોતે લગાડી દેશે. નોકરીએ લાગવા માટે વ્યક્તિ દીઠ રૂપિયા 40,000 આપવા જોઈએ તેમ કહેતા ઘરે પ્રસંગમાં આવેલ 7 લોકોએ પણ જુદી જુદી રકમ તમામ વ્યક્તિના ડોક્યુમેન્ટ વેરીફીકેશનના અલગથી ફી માટેના વ્યક્તિદીઠ રૂ. 1,700 દીપકને ગુગલ પે મારફતે મોકલી આપ્યા હતા. યુવક, તેની પત્ની સહિત 10 લોકોના કુલ રૂપિયા 3,31,786 દીપકે પોસ્ટમાં નોકરી આપવાની લાલચ આપી મેળવી લઈ નોકરીના બહાના બતાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ જયેશ વાધેલાએ કરતા પીએસઆઈ એચ. બી. ચૌહાણે તપાસ હાથ ધરી હતી અને તપાસમાં આ શખ્સ પોસ્ટ ઓફિસ નોકરી કરતો હતો પણ હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.